ગાંધીનગર સાહિત્યસભા દ્વારા શનિસભાનો શુભારંભ
રાજ્યના પાટનગર ગાંધીનગરમાં વસતા નાગરિકોમાં સાહિત્યપ્રીતિની માવજત થાય અને નવસર્જકોને સાહિત્યતત્વનો પરિચય થાય તે હેતુથી ગાંધીનગર સાહિત્ય સભાના ઉપક્રમે તા.૨૨/૪/૨૦૨૩ના રોજ શનિસભા ( પાક્ષિકી) ની શુભારંભ થયો. કવિ શ્રી પ્રતાપસિંહ ડાભી, હાકલના મુખ્ય સંયોજન હેઠળ શરૂ થયેલી શનિ સભાની આ પ્રથમ બેઠકમાં શ્રોતાગણ અને કવિમિત્રોની સંખ્યા નોંધપાત્ર રહી. મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના ગુજરાતીના પ્રોફેસર શ્રી ડો.રાજેશ મકવાણાએ સંક્ષિપ્ત છતાં મુદ્દાસર લોકગીતથી માંડીને અનુઆધુનિક કવિતાનો આલેખ દોરી આપ્યો હતો. સાહિત્ય સભાના મહામંત્રી પ્રો.સંજય પટેલે હેમચંદ્રાચાર્યથી શરૂ કરી ડાયસ્પોરાના સર્જનકાર્યની સોદાહરણ જિકર કરી હતી. પ્રારંભમાં પ્રતાપસિંહ ડાભીએ શનિસભાની વિગતે ભૂમિકા બાંધી આપી હતી. બેઠકમાં ઉપસ્થિત કવિઓની રચનાનું વાંચન અને તે રચનાઓના વિમશૅને અંતે સભાનું સમાપન થયું હતું. આ શનિસભા દર મહિનાના બીજા અને ચોથા શનિવારે નિયમિત રીતે યોજાશે અને તેમાં કવિતાના તમામ સ્વરૂપ વિશે ચર્ચા થશે. કવિતાના તમામ સ્વરૂપોમાં સર્જન કરતા નવસર્જકોને પ્રતિષ્ઠિત કવિઓનું માર્ગદર્શન મળી રહેશે. સાહિત્યસભાના અધ્યક્ષ શ્રી રમેશ ઠક્કરે સૌ સાહિત્યરસિકોને આ શનિસભામાં ઉપસ્થિત રહેવાની અપીલ કરી છે