ગુજરાત બોર્ડનું ધો.12 સામાન્ય પ્રવાહનું 73.27% પરિણામ
ગાંધીનગર :
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધો. 12 સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ વર્ષે 73.27% પરિણામ આવ્યું છે, ગયા વર્ષ કરતાં 13.64 ટકા ઓછું છે. ગયા વર્ષે 86.91 ટકા રિઝલ્ટ હતું. શિક્ષણ બોર્ડની વેબસાઈટ www.gseb.org પર સવારે 7-30એ વાગ્યે જાહેર કરાયું છે. તેમજ વોટ્સએપ નંબર 6357300971 પર વિદ્યાર્થી સીટ નંબર મોકલી પોતાનું પરિણામ મેળવી શકે છે. ગત વર્ષે 2022માં ધો. 12 સામાન્ય પ્રવાહના રિઝલ્ટમાં 12 વર્ષનો રેકોર્ડ તૂટ્યો હતો.
સૌથી વધુ પરિણામમાં કચ્છ- 84.59 ટકા, સૌથી વધુ પરિણામ ધરાવતા કેન્દ્રમાં વાંગધ્રા- 95.85 ટકા, સૌથી ઓછું પરિણામ ધરાવતા કેન્દ્રમાં દેવગઢબારીયા- 36.28 ટકાનો સમાવેશ થાય છે. જયારે આ વર્ષે 311 સ્કૂલોનું 100 ટકા પરિણામ છે જે ગયા વર્ષે 1064 શાળાઓ હતી. વિદ્યાર્થીઓનું પરિણામ- 67.03 ટકા નોંધાયું છે જયારે વિદ્યાર્થિનીઓનું પરિણામ- 80.39 ટકા નોંધાયું છે. જેને જોતા વિદ્યાર્થિનીઓનું પરિણામ 13.36 ટકા વધુ નોંધાયું છે. 44 જેટલી શાળાઓમાં 10 ટકા કરતા ઓછું પરિણામ જાહેર થયું છે જે ગયા વર્ષે ફકત 1 શાળા જ હતી.