ગાંધીનગરમાં રાજ્યના સૌથી મોટા ડ્રાઇવીંગ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ : RTOએ ટેસ્ટ વિના ૨૦૦૦ લાયસન્સ ઇસ્યુ કર્યા
ગાંધીનગર :
ગાંધીનગર RTOમાં ચાલી રહેલી ગેરરીતિ સંદર્ભમાં સાયબર ક્રાઇમમાં ચાલી રહેલી તપાસમાં એક પછી એક ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે. જેમાં ગાંધીનગર RTOમાં ડ્રાઇવીંગ ટેસ્ટ વિના જ ૨૦૦૦ થી વધુ ડ્રાઇવીંગ લાયસન્સ ઇસ્યુ થયા હોવાનું ખુલ્યું છે. આ મામલે તપાસ કરી રહેલી પોલીસ તમામની યાદી પણ મેળવવાની છે. ત્યારે ગુજરાતનું સૌથી મોટુ ડ્રાઇવીંગ લાયસન્સ કૌભાંડ બહાર આવવાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. અમદાવાદ સાયબર ક્રાઇમ દ્વારા ગાંધીનગર RTOના અધિકારી સમીર રતનધારિયા, જયદીપસિંહ ઝાલા તેમજ એજન્ટ ભાવીન શાહની ડ્રાઈવિંગ ટેસ્ટ વિના જ લાયસન્સ આપવાના કૌભાંડમાં ધરપકડ કરવામાં આવી હતી. જેના અનુસંધાનમાં ચાલી રહેલી તપાસમા ગાંધીનગર RTOમાં ચાલતા રાજ્યના સૌથી મોટા ડ્રાઇવીંગ લાયસન્સ કૌભાંડનો પર્દાફાશ કરાયો છે. સુત્રોના જણાવ્યા મુજબ પોલીસે ૨૦ જેટલા અન્ય એજન્ટોની પુછપરછ કરી હતી. જેમાં એજન્ટો અને આરટીઓ અધિકારીઓએ મિલીભગત કરીને ૨૦૦૦ જેટલા લાયસન્સ ડ્રાઈવિંગ ટેસ્ટ વિના જ ઇસ્યુ કર્યા હતા. જે માટે પ્રતિ લાયસન્સ રૂ. ૨૦,૦૦૦ સુધી રકમ લેવામાં આવતી હતી. પોલીસે આ ડ્રાઈવિંગ લાયસન્સ લેનારા બે હજાર લોકોની યાદી પણ તૈયાર કરી છે. જે અંગે પોલીસ અલગ ટીમ બનાવીને તપાસ કરી રહી છે. ત્યારે આ કેસમાં ધરપકડનો આંકડો વધે તેવી સંપૂર્ણ શક્યતાઓ જોવાઈ રહી છે.