વિદ્યુત સહાયક ભરતી કૌભાંડની તપાસ કરવા પોલીસ પહોંચી, કેટલાક કર્મીઓએ મૂકી રજાઓ
અગાઉ ૮ કર્મીઓની ધરપકડ થઈ છે અને વધુ નામ ખૂલતા તપાસનો ધમધમાટ ફરીથી શરૂ
ગુજરાત રાજ્યની વીજ કંપની જેવી કે ડીજીવીસીએલ, એમજીવીસીએલ, પીજીવીસીએલ, યુજીવીસીએલ અને જીએસઈસીએલમાં વર્ષ ર૦ર૦ અને ર૦ર૧માં વિદ્યુત સહાયકની ભરતીની ઓનલાઈન પરીક્ષામાં ગેરરીતિ આચરી ઉમેદવારોને પાસ કરાવવાના કૌભાંડમાં સુરત ક્રાઈમ બ્રાંચ અનેક કૌભાંડીઓની ધરપકડ કરી ચૂકી છે.
અરવલ્લી-સાબરકાંઠા જિલ્લામાં લાખ્ખો રૂપિયા ખર્ચી અનેક ઉમેદવારો વિદ્યુત સહાયક તરીકે ખોટી રીતે નોકરીએ લાગી ગયા હોવાની સતત ચર્ચા ચાલી રહી છે. ત્યારે સુરત ક્રાઈમ બ્રાંચની ટીમે મોડાસા યુજીવીસીએલ ટાઉન અને ગ્રામ્ય કચેરીમાં સોમવારે સાંજે પ વાગ્યાના સુમારે પહોંચી હતી અને કેટલાક કર્મીઓ અંગે પૂછપરછ હાથ ધરી હતી.
જાે કે, પોલીસ તપાસની ગંધ આવી જતા કે પછી અગમ્ય કારણોસર રજા પર ઉતરી ગયા હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે. સતત ત્રીજા દિવસે પણ ૧૦ જેટલા કર્મીઓ રજા પર રહેતા વીજ કચેરીમાં તર-તરહની ચર્ચાએ જાેર પકડ્યું છે.
સુરત ક્રાઈમ બ્રાંચે ઉર્જા કૌભાંડનો પર્દાફાશ કરી મોડાસાના નિવૃત નાયબ ઈજનેર ઈશ્વર પ્રજાપતિની ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા પછી ૧પ થી ર૦ લાખ રૂપિયા ખર્ચી દલાલ અને વચેટિયા મારફતે વીજ કચેરીમાં ગેરકાયદેસર નોકરી મેળવવાના કૌભાંડી કર્મીઓ અને તેમના પરિવારજનોની ઊંઘહરામ થઈ ગઈ છે.
આ કૌભાંડમાં રાજકીય અગ્રણીઓના મોટા માથાઓની સંડોવણી હોવાની ચર્ચાએ જાેર પકડ્યું છે. ઉર્જા કૌભાંડમાં તોડ કાંડના આરોપી યુવરાજસિંહ જાડેજાએ અરવલ્લી જિલ્લાના અનેક એજન્ટ અને વચેટિયાના નામ જાહેર કર્યા બાદ કૌભાંડમાં સંડોવાયેલ લોકોએ ઉર્જા કૌભાંડ પર પડદો પાડવા રાજકીય દબાણ લાવી ધમપછાડા કર્યા હતા. ત્યારે ફરીથી સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમ મોડાસા સહિત અરવલ્લી જિલ્લાની વીજ કચેરીમાં તપાસનો ધમધમાટ ચાલુ કરતા કૌભાંડીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાની સાથે ધરપકડથી બચવા રાજકીય આકાઓનું શરણ લીધું હોવાનું ચર્ચાય છે.