મોંઘવારીમાં મળી શકે છે રાહત, જાણો નાણાં મંત્રાલયે શું કહ્યું
આસમાની મોંઘવારીથી દરેક લોકો પરેશાન છે. શાકભાજીથી લઈને ખાધપદાર્થો સુધીની વસ્તુઓ મોંઘી થવાના કારણે રસોડાના બજેટમાં ઘણો વધારો થયો છે. અમુક વસ્તુઓના ભાવમાં અસાધારણ વધારાને કારણે જુલાઇ 2023માં ખાધ કુગાવો ઊંચો રહ્યો હતો. જેના કારણે ઓછી કમાણી કરતા લોકોને સૌથી વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સરકાર પણ મોંઘવારી ઘટાડવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે.મંત્રાલયે કહ્યું કે ટામેટા, લીલા મરચાં, આદુ અને લસણ જેવી ચીજવસ્તુઓના ભાવમાં 50 ટકાથી વધુનો વધારો થયો છે.
નાણા મંત્રાલયે આજે જણાવ્યું હતું કે, ખાધ ચીજોમાં ફુગાવો અસ્થાયી હોઈ શકે છે કારણ કે સરકારના સાવચેતીના પગલાં અને તાજા પાકના આગમનથી ભાવમાં ઘટાડો થશે.મંત્રાલયે જણાવ્યું હતું કે ગયા વર્ષના સમાન સમયગાળાની સરખામણીમાં જુલાઈમાં અનાજ, કઠોળ અને શાકભાજીના ભાવમાં બે આંકડાનો વધારો જોવા મળ્યો હતો. જોકે, વૈશ્વિક અનિશ્ચિતતા અને સ્થાનિક વિક્ષેપો આગામી મહિનાઓમાં ફુગાવાના દબાણમાં વધારો કરી શકે છે ગ્રાહક ભાવ સૂચકાંક પર આધારિત છૂટક ફુગાવો જુલાઇ 2023માં વધીને 7.44 ટકાની 15 મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. જોકે, કોર ફુગાવો 4.9 ટકાના 39 મહિનાના નીચલા સ્તરે રહ્યો હતો.
જોકે ચાલુ નાણાકીય વર્ષમાં સરકાર દ્વારા મૂડી ખર્ચની જોગવાઈમાં વધારો થવાને કારણે હવે ખાનગી રોકાણ વધી રહ્યું છે. મંથલી ઇકોનોમિક રિવ્યુ અનુસાર, સરકારે ખાધ ફુગાવાને અંકુશમાં લેવા માટે પહેલાથી જ સાવચેતીનાં પગલાં લીધાં છે. જેના કારણે નવા સ્ટોકના આગમનથી બજારમાં ભાવનું દબાણ ટૂંક સમયમાં હળવું થવાની શક્યતા છે.