દહેગામ અને અમરાભાઈનાં મુવાડામમાંથી 7 જુગારીઓ પકડાયા, 20 હજારનો મુદ્દામાલ જપ્ત
શ્રાવણ માસ ચાલી રહ્યો છે તેથી પોલીસ જુગારીઓ ની જુગારની ગેરકાયદેસર પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમો ઉપર નજર રાખી જુગારની પ્રવૃતિ બંધ કરવા દહેગામ પોલીસ મથકના પીઆઈ બી.બી. ગોયલએ આપેલ સુચના અન્વયે સ્ટાફના માણસો પેટ્રોલીંગ કરી રહ્યા હતા. પોલીસ ને બાતમી મળી હતી કે, અમરાભાઈના મુવાડા હનુમાનવાસ પાસે આવેલ ખુલ્લી જગ્યામાં કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે. જેથી પોલીસ ટીમે બાતમી વાળી જગ્યાએ રેડ કરીને ગામના સંજય ઉદાજી સોલંકી, કિરણસિંહ ભવાનસિંહ ચૌહાણ, દશરથસિંહ કેશરીસિંહ ચૌહાણ તેમજ દિપસિંહ જવાનસિંહ ચૌહાણને આબાદ રીતે રંગેહાથ પકડી લીધા હતા. જેઓની પાસેથી પોલીસે કુલ રૂ. 10 હજાર 550 નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
આજ રીતે બીજી બાતમી મળી હતી કે, દહેગામ ટાઉન વિસ્તારમાં વિમલશાહના દવાખાના પાસે આવેલ હોલ આગળ ની જગ્યામાં પણ જુગારીઓ જુગાર રમી રહ્યા છે. ત્યાં પણ પોલીસે રેડ કરીને જાહેરમાં જુગાર રમતા સંજયભાઈ ઈશ્વરભાઈ મીહીર, અનીલભાઈ રમણભાઈ ભોઈ, તેમજ સાહીદખાન અકબરખાન પઠાણને રંગેહાથ ઝડપી લઈ કુલ રૂ. 10 હજારનો મુદ્દામાલ જપ્ત કરી કાનૂની કાર્યવાહી કરી હતી.
દહેગામ પોલીસે ટાઉન વિસ્તારના વિમલશાહના દવાખાના પાસે આવેલ હોલ આગળ તેમજ અમરાભાઈનાં મુવાડા પૂર્વ બાતમીના આધારે રેડ કરીને જુગાર રમતાં સાત જુગારીઓને રંગેહાથ પકડ્યા છે . કુલ 20 હજાર જેટલો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.