સાળંગપુર ભીંતચિત્રો વિવાદ: બ્રહ્મ સમાજના આગેવાનો કરશે પ્રદર્શન, સંતોએ વ્યક્ત કરી નારાજગી
બોટાદ સ્થિત સાળંગપુરમાં આવેલા કષ્ટભંજન મંદિરમાં હનુમાનજીની વિરાટ પ્રતિમાની તસવીરો વાયરલ થઇ રહી છે.આ ચિત્રોમાં નીલકંઠવર્ણી (સહજાનંદ સ્વામીનું કિશોરાવસ્થાનું નામ) સમક્ષ હનુમાનજી નમસ્કાર કરતી મુદ્રામાં દેખાઇ રહ્યાં છે. સંતોનું કહેવું છે કે આ હનુમાનજીનું અપમાન છે અને સ્વામીનારાયણ સંતોને હનુમાનજી કરતાં મહાન દેખાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે જે અયોગ્ય છે. સાળંગપુર વિવાદને લઈને હવે બ્રહ્મ સમાજ પણ મેદાનમાં ઉતર્યો છે.
રાજકોટના બ્રહ્મ સમાજના આગેવાનો સાળંગપુર મંદિરે જઈને વિરોધ પ્રદર્શન કરશે. બ્રહ્મ સમાજ દ્વારા સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને આગામી 5 તારીખ સુધીનું અલ્ટીમેટમ આપવામાં આવ્યું છે. વાયરલ થઇ રહેલા આ ફોટામાં જોઈ શકાય છે કે, ભગવાન હનુમાનજીને સહજાનંદ સ્વામી સામે હાથ જોડીને નમસ્કાર મુદ્રામાં ઉભા હોય તેવું દર્શાવવામાં આવ્યું છે. હનુમાનજીને સહજાનંદ સ્વામીના દાસ ચિતરવામાં આવ્યા છે, જે ચિત્રો વાયરલ થતાં સાધુ સંતો અને ભક્તોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે આ થયેલા વિવાદને લઇ સંતોના નિવેદનો સામે આવ્યા છે જેમાં તેમને ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે.
જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે કહ્યું કે કોઈ પણ ધર્મને ઉંચુ-નીચું દેખાડવાનું કાર્ય ન કરવું જોઈએ. સર્વધર્મ સમભાવ હોવો જોઈએ. હનુમાનજી સાથે તમામ લોકોની આસ્થા જોડાયેલી છે. હનુમાનજી અનાદિકાળથી છે.
લંબે નારાયણ આશ્રમના મહંત ઋષિભારતી બાપુએ કહ્યું છે કે, કિંગ ઓફ સાળંગપુર પ્રતિમા નીચેથી ભીંતચિત્રો નહીં હટાવાય તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. આ સનાતન ધર્મના દેવી-દેવતાઓને નીચે દેખાડવાનો પ્રયાસ છે. સનાતન ધર્મના દેવી દેવતાઓને મોહરા બનાવવાનું બંધ કરો. પાદરીઓની જેમ બ્રેઈન વોશ કરવાનું બંધ કરો.