સપ્ટેમ્બર મહિનામાં આ નિયમોમાં થશે ફેરફાર
આજથી શરુ થનાર સપ્ટેમ્બર મહિનામાં ઘણા ફેરફારો થઇ રહ્યા છે અને દર મહિનાની જેમ સપ્ટેમ્બર 2023નો મહિનો પણ ઘણા ફેરફારો લાવી રહ્યો છે. જેની સીધી અસર તમારા રસોડા પર, તમારા રોકાણ પર, શેરબજાર પર અને ટેક હોમ સેલેરી પર થશે.
કેન્દ્રની મોદી સરકારે સપ્ટેમ્બર સુધી રૂ. 2,000ની નોટો બદલવાની અંતિમ તારીખ નક્કી કરી હતી. તેની સમયમર્યાદા આ મહિનાની 30મી તારીખે પૂરી થઈ રહી છે. જો તમારી પાસે 30 સપ્ટેમ્બર પહેલા 2000 રૂપિયાની નોટ છે, તો બેંકમાં જઈને તેને બદલી લો. IPO લિસ્ટિંગને લઈને સેબીએ મોટું પગલું ભર્યું છે. સેબી 1 સપ્ટેમ્બરથી IPO લિસ્ટિંગના દિવસો ઘટાડવા જઈ રહી છે. શેરબજારોમાં શેરના લિસ્ટિંગની સમય મર્યાદા અડધી એટલે કે ત્રણ દિવસની કરવામાં આવી છે. SEBI અનુસાર, IPO બંધ થયા પછી સિક્યોરિટીઝના લિસ્ટિંગ માટે લાગતો સમય 6 કામકાજના દિવસો (T+6 દિવસ) થી ઘટાડીને ત્રણ કામકાજના દિવસો (T+3 દિવસ) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે 1 સપ્ટેમ્બરથી નોકરી કરતા લોકોના જીવનમાં મોટો બદલાવ આવવાનો છે. 1લીથી કર્મચારીઓના પગારના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે.
આ નવા નિયમો હેઠળ ટેક હોમ સેલરી વધશે. આનાથી એવા કર્મચારીઓને ફાયદો થશે જેમને એમ્પ્લોયર વતી રહેવા માટે ઘર મળ્યું છે અને તેમના પગારમાંથી થોડી કપાત કરવામાં આવે છે. ઓઈલ કંપનીઓ દર મહિનાની પહેલી તારીખે ગેસ સિલિન્ડર, CNG અને PNGની કિંમતોમાં સુધારો કરે છે. માનવામાં આવે છે કે આ વખતે CNG-PNGના ભાવમાં ઘટાડો થઈ શકે છે.