ગાંધીનગર

‘સોશિયલ મીડિયાની સકારાત્મકતા’ વિશે સંજય થોરાતે ઓનલાઈન વક્તવ્ય આપ્યું

ગુજરાતી સાહિત્ય ફોરમ એ વડોદરાથી કાર્યરત છે અને ગુજરાતી લોકો માટે અનેક વિષયો સાથે અવનવા ઓનલાઈન સેમિનાર આયોજિત કરી સમાજસેવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. ગુજરાત સાહિત્ય ફોરમના ફાઉન્ડર પ્રેસિડેન્ટ કોકીલાબહેન ચોક્સી સતત ગુણવત્તા સભર કાર્યક્રમ આપી દેશ વિદેશમાં ખ્યાતિ પ્રાપ્ત કરી રહ્યા છે.

આ વખતે ૧૬૮માં હપ્તાના સેમિનારમાં ગાંધીનગર સાહિત્યસભાના પૂર્વ અધ્યક્ષ અને પારસમણી ફાઉન્ડેશનના અધ્યક્ષ સંજય થોરાત કે જેઓ મેરેથોન રનર છે એમને આમંત્રિત કરવામાં આવ્યા હતા. સોશિયલ મીડિયાનો ફાયદો કેવી રીતે લેવાય અને એની પોઝિટિવ વેલ્યૂ શું છે એ વિશે અભ્યાસપૂર્ણ વક્તવ્યનો ઝૂમ એપ્લિકેશન પર ઓનલાઈન સેમિનાર રવિવાર દિનાંક ૨૭ ઓગસ્ટના રોજ રાત્રે આયોજિત કરવામાં આવ્યો હતો. સમગ્ર ગુજરાત, ભારત, ઈંગ્લેન્ડ, અમેરિકા અને કેનેડાના લગભગ ૭૫ થી વધુ લોકો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા.

સોશિયલ મીડિયાના વોટ્સેપ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, ટ્વિટર, યુટ્યુબ અને લિન્કડ ઈન જેવા વિવિધ પ્લેટફોર્મનો સકારાત્મક ઉપયોગ કેવી રીતે કરવામાં આવે અને એનો ફાયદો ક્યાં ક્યાં થઈ શકે એના એકદમ જીવંત ઉદાહરણ સાથે અસ્ખલિત રીતે એક કલાક વાત કરી હતી.

ગુજરાતી સાહિત્ય ફોરમના ફાઉન્ડર પ્રેસિડેન્ટ કોકીલાબહેન ચોકસી અને કૌશલ ચોક્સી દ્વારા દર રવિવારે આ કાર્યક્રમ યોજાય છે. આ કાર્યક્રમમાં અગાઉ શરિફા વિજળીવાળા, જવાહર બક્ષી, પ્રવિણ દરજી, ભાગ્યેશ જહા, મકરંદ મુસળે, શિતાંશુ યશચંદ્ર, માણભટ્ટ, હર્ષદ શાહ અને હર્ષદ ત્રિવેદી જેવા ખ્યાતનામ લોકો એમની વાત કરવા આવી ચૂક્યા છે.

સંજય થોરાતનો પરિચય અલકા ગાંધી દ્વારા આપવામાં આવ્યો હતો જ્યારે ગુજરાતી સાહિત્ય ફોરમની વાતો કોકિલા ચોક્સી દ્વારા મુકવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમનું ટેકનિકલ સંચાલન રિંકી ચોક્સી દ્વારા કરવામાં આવ્યું જ્યારે આભારવિધિ ડૉ. ધૈવત શુક્લ દ્વારા કરવામાં આવી હતી.

આવનારા હપ્તામાં ભૂવન ઉન્હેલકર હાજર રહેશે એવી જાહેરાત કરવામાં આવી હતી. ‘સોશિયલ મીડિયાની સકારાત્મકતા’ સેશન સાંભળીને ઘણા શ્રોતાઓએ એ વાત માની હતી કે હા સોશિયલ મીડિયાથી સારા અને સકારાત્મક કાર્ય થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે સંજય થોરાતે અગાઉ આ જ પ્લેટફોર્મ પર ‘મન હોય તો મન મુકીને મેરેથોન દોડાય’ વિષય પર એમનું વક્તવ્ય આપ્યું હતું.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x