ગાંધીનગરગુજરાત

GST બોગસ બિલીંગના પ્રશ્નો અંગે નિષ્‍ણાંત દ્વારા ખાસ માર્ગદર્શન

છેલ્‍લા થોડા સમયથી જી.એસ.ટી.માં બોગસ બિલીંગની સમસ્‍યા ખુબ વધી ગઇ છે અને કેટલાક કિસ્‍સાઓમાં પ્રમાણીક કરદાતાઓને પણ જી.એસ.ટી.ના સમન્‍સ મોકલવામાં આવેલ છે અને તેઓ ઉપર ટેક્ષની રકમ ઉપરાંત વ્‍યાજ અને પેનલ્‍ટીની રકમો ભરવાની નોટીસો આપવામાં આવેલ છે. આ સંજોગોમાં કરદાતાએ શું કરવુ અને શું ન કરવુ તથા શું સાવધાની રાખવી, જેવા પ્રશ્નોની ચર્ચા માટે ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ, રાજકોટ સી.એ. બ્રાંચ અને રાજકોટ જી.એસ.ટી. બાર એસોસીએશન દ્વારા એક સેમીનાર રાખવામાં આવેલ હતો. જેમાં અમદાવાદના નિષ્‍ણાંત નિતેશ જૈન-સી.એ. દ્વારા વિસ્‍તૃત છણાવટ કરવામાં આવેલ હતી.

નિતેશ જૈન દ્વારા સાવધાનીના પગલારૂપે નીચે મુજબની તકેદારી રાખવા જણાવવામાં આવ્યું

૧. તમારા સપ્‍લાયરને એ, બી અને સી કેટેગરીમાં વહેચી દો. ‘એ’ કેટેગરીમાં એવા સપ્‍લાયર કે જેની સાથે તમો વર્ષોથી સંકળાયેલા છો અને તેમના વ્‍યવહાર અંગે તમને વિશ્વાસ છે. ‘બી’ કેટેગરીમાં એવા સપ્‍લાયર કે જેની સાથે તમારો ટુંકો પરીચય છે અને ‘સી’ કેટેગરીમાં એવા સપ્‍લાયર કે જે નવા સપ્‍લાયર તરીકે તમારી પાસે આવેલ છે. ‘સી’ કેટેગરીના સપ્‍લાયરને તમે બીલની રકમનું પેમેન્‍ટ કરો ત્‍યારે જી.એસ.ટી.ની રકમ ચુકવવી નહી. જે-તે સપ્‍લાયરનું બીજા મહિનામાં જી.એસ.ટી. રીર્ટન ફાઇલ થઇ જાય ત્‍યારે તમોને આપેલ વેચાણની વિગતો તેમના જી.એસ.ટી.આર. ર-એ કે ર-બી માં દર્શાવી છે કે કેમ તે ચોકસાઇ કર્યા પછી જ તેમની જી.એસ.ટી.ની રકમનું પેમેન્‍ટ કરવું. વધારાની સેફટી માટે સપ્‍લાયરના ચાર્ટડ એકાઉન્ટન્‍ટનું સર્ટીફીકેટ પણ મેળવવું કે જેમાં સી.એ. દ્વારા સપ્‍લાયરના જી.એસ.ટી. રીટર્ન અને તેની ઉપર ચુકવવાની થતી જી.એસ.ટી.ની જવાબદારી ચુકવી દીધી છે તે બાબતનું પ્રમાણપત્ર લેવું.
ર. આ ઉપરાંત જયારે માલ આવે ત્‍યારે ફેકટરીના ગેઇટમાંથી ટ્રક અંદર આવે છે તેનું વિડીયો રેકોર્ડીગ કરવું વિડીયો રેકોર્ડીંગમાં ટ્રક નંબર દેખાય તે જોવું, ડ્રાઇવરનું ડ્રાઇવીંગ લાયસન્‍સ અને આધારકાર્ડની કોપી લેવી અને ડ્રાઇવર ટ્રકની આગળ ઉભો છે તે વિડીયો રેકોર્ડીગમાં લેવું તથા ટ્રકમાંથી માલ ઉતરે છે તેનું પણ વિડીયો રેકોર્ડીગ કરવું. ટ્રાન્‍સપોર્ટર પાસેથી ફ્રેઇટની એલ.આર. લેવી અને ટોલટેક્ષની પહોંચો લેવી. ટોલટેક્ષનું ફાસ્‍ટટેગનું સ્‍ટેટમેન્‍ટ જે-તે સાઇટ ઉપરથી ડાઉનલોડ થઇ શકે છે તે ડાઉનલોડ કરી તેમાં દર્શાવેલ ટ્રક નંબર અને તમારે ત્‍યાં ડિલીવરી માટે આવેલ ટ્રક નંબર એક જ છે તે ચોકસાઇ કરવી અને ટોલટેક્ષનું ફાસ્‍ટટ્રેકનું સ્‍ટેટમેન્‍ટ પુરાવા તરીકે સાચવવું.
૩. કોઇપણ વેપારી સાથે નવો વ્‍યવહાર શરૂ કરો ત્‍યારે સપ્‍લાયરનો જી.એસ.ટી. નંબર એકટીવ છે તે તેનો સ્‍ક્રીનશોટ જી.એસ.ટી. પોર્ટલ ઉપરથી લઇને રાખવો, સપ્‍લાયરના કે.વાય.સી. ડોકયુમેન્‍ટ લઇને રાખવા. ખાસ ચોકસાઇ કરવી કે સપ્‍લાયરનું એડ્રેસ ઘરનું છે કે કોઇ ઓફીસનું છે. ઘરના એડ્રેસથી થતો ધંધામાં બોગસ બિલીંગ હોવાની શકયતા વધી જાય છે.
૪. જૈન સાહેબે ખાસ ધ્‍યાન દોરેલ હતું કે, ખરીદેલ માલનું પેમેન્‍ટ ૧૮૦ દિવસમાં સપ્‍લાયરને નહિ કરવામાં આવેલ હોય તો તેની જી.એસ.ટી.ની રકમની ક્રેડીટ મળવાપાત્ર રહેતી નથી.
પ. જો આ તકેદારીઓ નહી રાખો તો આવતા સમયમાં જી.એસ.ટી.ના બોગસ બિલીંગના તમારે ભોગ બનવુ પડે તેવી શકયતાઓ વધતી જાય છે.
આ તબક્કે ભારતની પાંચ ટ્રીલીયન ડોલરની ઇકોનોમીના પંથે જતી અર્થવ્‍યવસ્‍થામાં ચાર્ટડ એકાઉન્ટન્‍ટની ભુમીકા શું છે અને ઉદ્યોગ જગત માટે વિકાસની તકો અને તેમના નિરાકરણ માટે નિષ્‍ણાંતોની પેનલ ડિસ્‍કશનનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મોડરેટર તરીકે ગ્રેટર રાજકોટ ચેમ્‍બરના પ્રમુખ રાજીવભાઇ દોશી સાથે પેનલ સભ્‍ય તરીકે રૂપેશભાઇ મહેતા, પ્રશાંતભાઇ પરસાણા, એડવોકેટ પંકજભાઇ દેસાઇ, સી.એ. ગિરીરાજ બાંગ, હિતેષભાઇ સાવલીયા અને સી.એ. સંજય લાખાણીએ વિગતવાર ચર્ચા કરી હતી.
આમ એક અખબારી યાદીમાં ગ્રેટર રાજકોટ ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝના પ્રમુખ રાજીવભાઇ દોશી, રાજકોટ જી.એસ.ટી. બાર એસોસીએશનના પ્રમુખ મનીષભાઇ સોજીત્રા તથા રાજકોટ બ્રાંચ ઓફ ચાર્ટડ એકાઉન્‍ટન્‍ટના સંજયભાઇ લાખાણી દ્વારા જણાવવામાં આવેલ છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x