નવરાત્રીના પહેલા નોરતે જ મેઘરાજા મચાવશે ધડબડાટી, ખેલૈયાઓ અને આયોજકો ચિંતામાં મુકાયા
રાજ્યના કેટલાક વિસ્તારમાં વરસાદના હળવા ઝાપટાં પડી રહ્યા છે. હજુ બે-ચાર દિવસ આ માહોલ રહે તેવી શક્યતા છે. જોકે, ગુજરાતમાંથી વરસાદનું ઘટતું જશે. દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાનથી વરસાદના વિદાયની શરૂઆત થઈ ચૂકી હોઈ રાજ્યમાં વરસાદ ઓછો થવાની શક્યતા છે તેમ સ્થાનિક હવામાન વિભાગ જણાવે છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકોમાં ચિંતામાં મુકાયા છે. આ વર્ષે ફરી નવરાત્રી પર પાણી ફરી જવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું કે, નવરાત્રીના પહેલા નોરતે જ ગુજરાતના અનેક સ્થળોઓએ વરસાદની આગાહી છે. 7 ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે. 7 ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી છે. તેઓએ કહ્યું કે, નવરાત્રી દરમિયાન મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની આગાહી છે. તો નવરાત્રી દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ભારત – પાકિસ્તાનની મેચમાં પણ વાદળછાયા વાતાવરણની શક્યતા છે. અંબાલાલ પટેલની આગાહીથી ખેલૈયાઓ અને આયોજકો પર ચિંતાની લહેર પ્રસરી ગઇ છે.
અગાઉ ભારત-પાક. મેચ અને નવરાત્રીને લઈ અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, નવરાત્રી દરમિયાન વાદળછાયું વાતાવરણ રહેશે. 28 જુલાઈથી 8 ઓગસ્ટ વિવિધ ભાગોમાં વરસાદ રહેશે. તેઓએ જણાવ્યું હતું કે, 5 ઓક્ટોબરે ગુજરાતના દરિયાકાંઠે ભારે પવન ફૂંકાશે. 17 ઓક્ટોબરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારમાં પવનનું જોર રહેશે, તો 16મી નવેમ્બરે બંગાળના ઉપસાગરમાં હોવાનું હળવું દબાણ ઉભુ થશે. એટલું જ નહીં 18, 19 અને 20ના રોજ વાવાઝોડાની શક્યતા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ નવરાત્રીના પહેલા નોરતે મેઘરાજાએ ધડબડાટી બોલાવી હતી. અમદાવાદ, વડોદરા અને સૌરાષ્ટ્રભરમાં પહેલા નોરતે વરસાદી ઝાપટા પડ્યા હતા. નવરાત્રીના પ્રથમ દિવસે ઉનામાં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. ઉનામાં માત્ર અડધા કલાકમાં જ 1 ઇંચ ખાબક્યો હતો.