અબોલ પશુપક્ષીઓનો જીવ બચાવવો તે સૌથી મોટુ પુણ્ય : રીટાબેન પટેલ
ગાંધીનગર :
સે.૨૨ જૈન મંદિરે શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પશુપક્ષીઓ માટેની જીવદયા એમ્બ્યુલન્સના લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય ઉપરાંત મેયર હિતેશ મકવાણા, નાયબ વન સંરક્ષક ડો.ચંદ્રેશકુમાર સનાદ્રે ઉપસ્થિત રહ્યા : પૂ.આ.ભ. શ્રી વિજય અભયદેવસુરીશ્વરજી મ.સા.એ યુવાનોના સેવા કાર્યને બિરદાવ્યું
આજે તા.૨૯મી સપ્ટેમ્બર, શુક્રવારના રોજ ગાંધીનગરના જીવદયા પ્રેમી યુવાનોની સંસ્થા શ્રી રામ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બિમાર પશુ-પક્ષીઓની સેવા અર્થે નવી એમ્બ્યુલન્સ ગાંધીનગરની જનતાને સુપ્રત કરવાનો કાર્યક્રમ જૈન દેરાસર, સેક્ટર-૨૨, ગાંધીનગર યોજાયો હતો. આ કાર્યક્રમમાં તપાગચ્છીય પ્રવરસમિતિ કાર્યવાહક, મહામાંગલિક પ્રદાતા ૫.પૂ.આ.ભ. શ્રી વિજય અભયદેવસુરીશ્વરજી મ.સા. તથા તેમના શિષ્ય માર્ગદર્શક પ.પૂ.આ.ભ. શ્રી વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા.ના આશીર્વાચન સાથે મુખ્ય આમંત્રીત મહેમાન પદે માનનીય ધારાસભ્યશ્રી શ્રીમતી રીટાબેન કે. પટેલ, માનનીય મેયર હિતેશભાઈ મકવાણા, નાયબ વન સંરક્ષક ડો. ચંદ્રેશકુમાર સનાદ્રે, અતિથિ વિશેષ પદે આર.એફ.ઓ.(ઈ/ચ) બોરીજ રેન્જ સતિષભાઈ ચૌધરી, શ્રી ગાંધીનગર શ્વેતામ્બર જૈન મૂર્તિપુજક સંઘના પ્રમુખ કૌશિકભાઈ શાહ, સ્થાનિક કોર્પોરેટર પદમસિંહ ચૌહાણ અને કૈલાશબેન સહીત અગ્રણીઓ અને યુવાનો ઉપસ્થિત રહ્યાં હતા.
કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કરતા ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય શ્રીમતી રીટાબેન પટેલે કહ્યું હતું કે “અમને આવા જીવદયાના કાર્યક્રમમાં સહભાગી બનાવ્યાં તે માટે આભારી છું. આપણે સવારે એક માળા ના કરી શકીએ તો ચાલે પણ એક જીવ બચાવીએ તે મોટુ પુણ્યનું કાર્ય છે. આપણે હજુ પણ કચરામાં પ્લાસ્ટિકની પ્લાસ્ટિકની કોથળીમાં કચરો નાખીએ છીએ જેના કારણે ગાયને સૌથી વધુ નુકસાન થાય છે. આપણે આપણી ફરજ સમજીને કચરો યોગ્ય જગ્યાએ નાખીએ અને તેમાં પ્લાસ્ટિક ના જાય તે જોવું આપણી ફરજ છે. આજે આપણા યુવાનો આવા જીવદયાના કાર્યમાં જોડાય છે તે માટે તેમને ખૂબ ખૂબ અભિનંદન.” આ પ્રસંગે આશીર્વાદ વચન પાઠવતા પૂ.આ.ભ. શ્રી વિજય અભયદેવસુરીશ્વરજી મ.સા.એ કહ્યું હતું કે “શ્રીરામ ચેરીટેબલ ટ્રસ્ટનું જેવું નામ છે તેવા એવાં ગુણ છે. સંસારમાં દરેક જીવોને જીવવાનો અધિકાર છે. દુનિયાનો કોઈ ધર્મ મારવાનું કહેતો નથી. આપણે કોઈને જીવાડી શકતા નથી તો આપણને કી જીવને મારવાનો પણ અધિકાર નથી. યુવાનો જીવદયાનું ઉમદા કાર્ય કરે છે તે સૌભાગ્ય છે. આવું જીવદયા કાર્ય માત્ર ભારતમાં અને તે પણ અમુક રાજ્યોમાં જ થાય છે. અહિંસા જૈન ધર્મનો પાયો છે. અમે દરેક કાર્યમાં પહેલાં જીવદયાનું ફંડ કાઢીએ છીએ. યુવાનોએ પશુ પક્ષીઓને બચાવવાના જીવદયાના કાર્યો માટે એમ્બ્લ્યુલન્સ શરુ કરી છે એ ખુબ સારી બાબત તેની હું અનુમોદના કરું છું. સત્તાધીશોએ પણ યુવાનોના આવા સેવા કાર્યો માટે જે જરૂરી હોય તે સુવિધા પૂરી પાડવી જોઈએ અને વધુને વધુ યુવાનો આવા સેવા કાર્યોમાં જોડાય તે માટે પ્રયાસો કરવા જોઈએ. “
આ પ્રસંગે મેયર હિતેષભાઇ મકવાણાએ કહ્યું હતું કે “ઉતરાયણ દરમિયાન દોરીના ગુજરાતને કારણે કોઈ પક્ષીઓને નુકસાન ન થાય તે માટે મેં મારા ખિસ્સામાંથી વળતર આપીને શહેરમાંથી 400 કિલો દોરીના ગૂંચળા એકત્ર કરાવ્યા હતા. યુવાનોની આ સંસ્થા અનેકવિધ સેવા કાર્યો કરે છે. મારી દ્રષ્ટિએ અબોલ પશુ-પક્ષીઓની સેવા એ સૌથી મોટી સેવા છે, ઈશ્વરે આપણને મનુષ્ય અવતાર આપ્યો છે તો આપણે સૌએ સાથે મળીને પશુ પક્ષીઓનું રક્ષણ કરવું જોઈએ.” નાયબ નાયબ વન સંરક્ષક ડો. ચંદ્રેશકુમાર સનાદ્રેએ કહ્યું હતું કે “શ્રીરામ ચેરીટેબલ ટ્રસ્ટની કામગીરી ઘણા વર્ષોથી હું જોઉં છું તેઓ ડોમેસ્ટિક હોય કે એનિમલ હોય પણ દિવસ રાહ જોયા વગર તેનો રિસ્ક કાર્ય કરે છે જરૂર પડે તો અમદાવાદ વાઈલ્ડ લાઇફ કેર સેન્ટરમાં લઈ જાય છે. વન વિભાગ તેમની કામગીરીને બિરદાવે છે.”
કાર્યક્રમમાં સંસ્થાના સનિષ્ઠ સ્વયંસેવકોનું સન્માન કરવામાં આવ્યું હતું. ગાંધીનગર મૂર્તિપૂજક શ્વેતાંબર જૈન સંઘ તરફથી સંસ્થાને રૂ.૧૧ હજારના દાન સહીત અન્ય દત્તાઓ દ્વારા પણ દાન જાહેર કરવામાં આવ્યા હતા. કાર્યક્રમના સમાપને મહાનુભાવો દ્વારા જીવદયા એમ્બ્યુલન્સનું ઉદઘાટન કરી અને એમ્બ્યુલન્સને લીલી ઝંડી દેખાડી પ્રસ્થાન કરાવાયું હતું. સંસ્થાના પ્રમુખ વિજયભાઈ શર્મા દ્વારા તમામ મહાનુભાવવાનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.