માધવગઢથી પાવાગઢ “મહાકાલી યુવક મંડળ” દ્વારા પગપાળા યાત્રા
નવરાત્રીના અનેરા ઉત્સવ ના સમયે રાજ્ય તથા દેશના વિવિધ સ્થળોથી લોકો વિવિધ શક્તિપીઠ તરફ પગપાળા જાય છે. આ અલૌકિક પ્રથાના ભાગરૂપે માધવગઢ ગામ તાલુકો જીલ્લો ગાંધીનગર થી મહાકાલી માતાની શક્તિપીઠ એવા પાવાગઢ સુધી માધવગઢ ગામના “મહાકાલી યુવક મંડળ” દ્વારા પગપાળા યાત્રા કરવામાં આવે છે. માધવગઢથી પાવાગઢ સુધીનું અંતર આશરે ૨૫૦ કિલોમીટર છે. જે મહાકાળી યુવક મંડળના યુવાનો તથા વૃદ્ધો દ્વારા માત્ર અઢીથી ત્રણ દિવસમાં જ પૂર્ણ કરવામાં આવે છે.
એક પ્રથા મુજબ સામાન્ય રીતે પ્રથમ નવરાત્રીના રોજ દર્શન કરીને ગામ તરફ પરત ફરે છે. પાવાગઢ તરફની આ પગપાળા યાત્રા ૧૯૮૨થી આજ સુધી અવિરત ચાલુ રહેલ છે. ૧૯૮૨માં શ્રદ્ધાળુઓ પોતાની સાથે થેલા લઈને તેમાં થોડું ઘણું ભોજન લઈને કોઈપણ જાતની સહાય કે કોઈપણ જાતના જાહેર સેવા મંડળોના સહયોગ વિના યાત્રા કરતા હતા. તે સમયે રસ્તાઓની પણ અવ્યવસ્થા હતી. નદી ઉપર પૂલ ન હોવાને કારણે તરણ કરીને નદી પસાર કરવી પડતી હતી. વધુમાં તે સમયે ડુંગર ખાતે પણ પગથિયાંઓની વ્યવસ્થા ન હોવાથી ગબ્બર ઉપર પથ્થરો વચ્ચે સીધુ ચઢાણ કરવામાં આવતું હતું. તેવું ગામના અનુભવીઓનું કહેવું છે. ગામની આ પરંપરા ગામના યુવાનો દ્વારા આજે પણ અકબંધ રાખવામાં આવી છે અને વર્ષને વર્ષે નવયુવકોમાં આનો ઉત્સવ વધી રહ્યો છે અને ખૂબ સારી એવી સંખ્યામાં જઈ રહ્યા છે.
વર્તમાન સમયમાં ગામમાંથી ૬૦થી વધાર યુવાનોએ ભાગ લીધો છે. રસોઈની વ્યવસ્થા માટે એક ગાડીની વ્યવસ્થા થયેલ હોય તમામ શ્રદ્ધાળુઓને સમયસર ભોજન મળી રહે તે માટેની વ્યવસ્થાઓ કરવામાં આવે છે. વધુમાં આ નવ યુવાનો દ્વારા રોજના આશરે ૧૦૦ કિલોમીટરથી વધુનું અંતર કાપવામાં આવે છે જે તેમની શારીરિક ક્ષમતા માતાજી તરફની આસ્થા અને ઉત્સાહ દર્શાવે છે. મહાકાલી માતાના આશીર્વાદ માધવગઢ કામ પર કાયમ રહે તેવી પ્રાર્થના.