ગાંધીનગર શિક્ષણ બોર્ડે ધોરણ 10-12ની પરીક્ષા ફીમાં કર્યો 10%નો વધારો
ગુજરાત શિક્ષણ બોર્ડે વર્ષના અંતમાં ફી વધારાનો મોટો નિર્ણય લીધો છે. ગુજરાત શિક્ષણ બોર્ડની સામાન્ય સભા બાદ જાહેરાત કરવામાં આવી કે, 2024 માં લેવાનારી બોર્ડની પરીક્ષાની ફીમાં 10 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા ફીમાં 10 ટકાનો વધારો ઝીંકવામાં આવ્યો છે. પરીક્ષા ફીમાં વધારો થવાથી લાખો વિધાર્થીઓને અસર થશે. ધોરણ 10-12 સાયન્સ અને કોમર્સની પરીક્ષા ફીમાં કેટેગરી વાઈઝ વધારો કરવામાં આવ્યો છે. ધોરણ 10 અને ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની ફીમાં 10 ટકા સુધીનો વધારો ઝીંકવામાં આવ્યો છે. તો સાથે જ પ્રેક્ટિકલ ફીમાં પણ વધારો કરાયો છે.
શુક્રવારે બોર્ડની સામાન્ય સભાનું આયોજન કરાયુ હતું. જેમાં ગુજરાત શિક્ષણ બોર્ડે સામાન્ય સભા બાદ ફી અંગેની જાહેરાત કરી છે. સામાન્ય રીતે સ્કૂલ ફીમાં 5 ટકાનો વધારો દર વર્ષે કરવાની છૂટ હોય છે. છતાં પરીક્ષા ફીમાં સીધો 10 ટકાનો વધારો કરાયો છે. શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવેલા ફીમાં વધારા વિશે વિગતવાર વાત કરીએ તો ધોરણ 10ની ફી 355 રૂપિયાથી વધારીને 399 રૂપિયા કરવામાં આવી છે. ધોરણ 10માં કુલ 13 કેટેગરી આવેલી છે. કેટેગરી વાઈઝ લઘુત્તમ રૂ.15થી 40 સુધીનો વધારો કરાયો છે. જ્યારે ધોરણ 12 સાયન્સમાં નિયમિત ફી રૂ.655થી વધારી રૂ.665 કરાઈ છે. તો ધોરણ 12 કોમર્સમાં નિયમિત ફી રૂ.490થી વધારીને રૂ.540 કરાઈ છે.