BJP માટે મહેસાણા-પાટણ બેઠકની ગૂંચ યથાવત, નીતિન પટેલને મનાવવાનાં પ્રયાસો
અમદાવાદ:
રાજ્યમાં હાલ ભાજપમાં મહેસાણા અને પાટણ લોકસભા બેઠક પરની ગૂંચ યથાવત છે. ભાજપ મહેસાણા બેઠક પરથી લોકસભા લડવા માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને મનાવવાનાં પ્રયાસો કરી રહી છે. નોંધનીય છે કે પ્રદેશ પ્રભારી ઓમ માથુરે નીતિન પટેલને કમલમ ખાતે બોલાવ્યા હતા અને તેમની સાથે બેઠક કરી હતી. જો કે, મહેસાણા બેઠક પરથી ચૂંટણી લડવા મામલે નીતિન પટેલે સ્પષ્ટતાપૂર્વક હા કે ના કંઇ કહ્યું ન નથી. મંત્રી દિલીપ ઠાકોરે પાટણ બેઠક પરથી લોકસભા ચૂંટણી લડવાની ના પાડી છે. નીતિન પટેલને પણ ચૂંટણી લડવા સમજાવી રહ્યાં છે પરંતુ નીતિન પટેલનો હજી ઇન્કાર યથાવત છે.
નીતિન પટેલે ઓમ માથુર સાથેની વાતચીત પછી જણાવ્યું હતું કે, મહેસાણા બેઠક પરથી કોણ લડશે તે પાર્ટી નક્કી કરશે. જોકે બીજી તરફ સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે નીતિન પટેલને ચૂંટણી લડવા માટે દિલ્હી હાઇકમાન્ડની સૂચના પ્રમાણે ઓમ માથુર નીતિન પટેલને મળ્યાં હતાં. મહેસાણા જિલ્લાની ઊંઝા બેઠકે પણ ભાજપ માટે તકલીફ ઉભી કરી છે. આશા પટેલને કોંગ્રેસમાંથી લાવ્યા પછી ભાજપમાં વિરોધ વકરતા હવે તેમને અહીંથી ઉમેદવારી નહીં કરવાનું કહેવામાં આવ્યું છે.
મહેસાણા સાથે પાટણની બેઠક પણ ભાજપ માટે તકલીફ ઉભી કરી રહી છે કારણ કે ભાજપ પાસે પાટણમાં મજબૂત ઉમેદવાર નથી. આ બેઠક પર ઠાકોર સમાજનું પ્રભુત્વ રહેલું છે. હાલનાં સાંસદ લીલાધર વાઘેલાને રીપિટ કરવાનાં નથી. આ બેઠક પર શ્રમ અને રોજગાર મંત્રી દિલીપ ઠાકોરને અહીંથી લોકસભા લડાવવા પાર્ટી પ્રયાસ કરી રહી છે. પરંતુ મળતી માહિતી પ્રમાણે દિલીપ ઠાકોર મંત્રીપદ છોડવા તૈયાર નથી.
ભાજપ શુક્રવારે સાંજ સુધીમાં બાકી તમામ સીટોનાં ઉમેદવારોની યાદી જાહેર કરે તેવી શક્યતા સેવાઇ રહી છે.