ચોકીદાર જીતુ વાઘાણીનો પુત્ર મિત BCAની પરીક્ષામાં ભાવનગર યુનિ.માં ચોરી કરતાં પકડાયો, હવે ભીનું સંકેલવાના પ્રયાસ ?
ભાવનગર :
‘ચોકીદાર’ શબ્દ ઉછાળીને દેશભરમાં ચર્ચા જગાવનાર ભાજપના ગુજરાત પ્રદેશપ્રમુખ જીતુ વાઘાણીનો પુત્ર મિત ભાવનગર યુનિવર્સિટીની બી.સી.એ.ની પરીક્ષામાં કોપી કરતાં ઝડપાયો હોવાની વ્યાપક ચર્ચાએ જોર પકડ્યું છે. જોકે, બપોરે લગભગ 12.45 વાગ્યે કોપી કેસ થયા પછી ભાજપનું સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું છે અને યુનિ. સત્તાધીશોએ ભેદી મૌન ધારણ કરીને મીડિયાને પ્રવેશબંધી ફરમાવી દીધી છે. યુનિ.ના મોટાભાગના સત્તાધીશોના ફોન બંધ આવી રહ્યા છે.
લોકસભાની ચૂંટણીનો માહોલ બરાબર ગરમાઈ રહ્યો છે ત્યારે ભાવનગરમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણીનો દીકરો મિત બી.સી.એ. સેમેસ્ટર-2ની પરીક્ષામાં કોપી કરતાં ઝડપાયો હોવાના સમાચારો છે. જોકે યુનિવર્સિટી દ્વારા સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી, પરંતુ આ મુદ્દો શહેરભરમાં ચર્ચાસ્પદ બન્યો છે.
એમ.જે.કોમર્સ કોલેજમાં લેવાઈ રહેલી બી.સી.એ. સેમ.-2ની પરીક્ષા દરમિયાન કોલેજના પ્રિન્સિપાલ પ્રો. વાટલિયા દ્વારા કડક ચેકિંગ હાથ ધરાયું હતું. એ વખતે પરીક્ષા આપી રહેલ મિત વાઘાણી પાસેથી 27 જેટલી કાપલીઓ પકડાઈ હોવાનું કહેવાય છે. મિતને છાવરવાના તમામ પ્રયાસો છતાં પ્રિન્સિપાલ વાટલિયાએ કોપી કેસ દાખલ કરી લીધો હોવાનું કહેવાય છે.
અલબત્ત, કોપી કેસના કાગળો યુનિવર્સિટી કાર્યાલય સુધી પહોંચે અને તેની સત્તાવાર નોંધ થાય એ પહેલાં ભાજપના નેતાઓના ફોનની ઘંટડીઓ રણકવા લાગી હતી અને યુનિ.માં ભેદી રીતે મીડિયાકર્મીઓ માટે અઘોષિત બંધી જેવી સ્થિતિ ઊભી કરી દેવામાં આવી હતી. આ અંગે પ્રિન્સિપાલ વાટલિયાનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરતાં તેમનો ફોન સતત સ્વિચ્ડ ઓફ આવ્યો હતો. તેમજ ભાવનગર યુનિ.ના વાઈસ ચા્ન્સેલર મહિપાલસિંહ ચાવડાનો સંપર્ક કરતાં તેમણે પણ ફોન રિસિવ કર્યો ન હતો. જ્યારે પ્રદેશ ભાજપ પ્રમુખે પોતે હાલ વ્યસ્ત હોવાથી પછી સંપર્ક કરવા જણાવ્યું હતું.