સેક્ટર 11 ખાતે ગેરકાયદેસર ઉભા કરાયેલા ફટાકડા સ્ટોલ દૂર કરાયા
દિવાળીના તહેવરો દરમિયાન ટ્રાફિક અને મોટી ભીડ ન થાય તેને લઈ તંત્ર અવાર નવાર પ્રયાસો કરતું રહ્યું છે. સરકારી જમીનો પર ગેરકાયદેસર દબાણ કરનારની સામે તંત્રએ લાલ આંખ કરી છે અને બિનકાયદેસર દબાણો દૂર કર્યા છે. પાટનગર ગાંધીનગરમાં ગેરકાયદેસર ઊભા કરાયેલા ફટાકડાના સ્ટોલ પર તંત્ર દ્વારા પગલાં ભરવામાં આવ્યાં છે. ગાંધીનગરના સેક્ટર 11 ખાતે આવેલ પાટનગર યોજના વિભાગની જમીન પર મંજૂરી વગર જ દબાણ કરીને ફટાકડાના સ્ટોલ ચાલતાં હોવાનું તંત્રને ધ્યાને આવતાં તાત્કાલિક અસરથી તેને દૂર કરવામાં આવ્યાં હતાં. જેથી કરીને વેપારીઓને દિવાળી પહેલાં જ સ્ટોલ ખાલી કરી દેવાનો વારો આવ્યો હતો.
દિવાળીના એક-બે દિવસ પહેલાં જ દબાણ વિભાગને કાર્યવાહીથી ફટાકડા વેપારીઓમાં રોષ ફેલાયો હતો. ગેરકાયદેસર ઉભા કરાયેલ સ્ટોલને તંત્રની દબાણ શાખા દ્વારા તાત્કાલિક અસરથી ખાલી કરાવતાં ગેરકાયદેસર ફટાકડાનું વેચાણ કરતાં વેપારીઓમાં પણ ફફડાટ ફેલાયો હતો. મળેલી જાણકારી અનુસાર આ વર્ષે સેક્ટર- 21માં પણ ફટાકડાના વેચાણ માટે તંત્ર દ્વારા મંજૂરી આપવામાં આવી નથી. માત્ર સેક્ટર -11, 6 અને 22 માં જ ફટાકડાના વેપારીઓને સ્ટોલ ઉભા કરવા માટે મંજૂરી આપવામાં આવી છે.