ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળે 1200થી વધુ પદ પર કરી ભરતીની જાહેરાત
સરકારી નોકરી માટેની તૈયારી કરતા ઉમેદવારો માટે ખૂબ જ મોટા અને ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે. ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા 1200થી વધુ પોસ્ટની ભરતીની જાહેરાત કરવામાં આવી છે. જેમાં સર્વેયર, સિનિયર સર્વેયર, પ્લાનિંગ આસિસ્ટન્ટ, થેરાપીસ્ટ, વર્ક આસિસ્ટન્ટ, ટેક્નિશિયન, તાંત્રિક મદદનીશ, ગ્રાફિક ડિઝાઇનર ,મશીન ઓવરશીયર, વાયરમેન, જુનિયર પ્રોસેસ આસિસ્ટન્ટ ની ભરતી કરવામાં આવનાર છે. સર્વેયર બાદ વર્ક આસિસ્ટન્ટની સૌથી વધુ 574 પોસ્ટ ની ભરતી થશે. તારીખ 17 મી નવેમ્બર બપોરે 2:00 વાગ્યાથી ઓનલાઇન અરજી કરવાનો પ્રારંભ થશે જ્યારે તારીખ 2 ડિસેમ્બર મોડી રાત્રિના 12:00 વાગ્યા સુધી આ ભરતી માટે ઓનલાઈન કરી શકાશે. ગૌણ સેવા પસંદગી મંડળની વેબસાઈટ ઉપર તમામ માહિતી ઉપલબ્ધ હશે.
ગૌણ સેવા મંડળ દ્વારા સમગ્ર ભરતી પ્રક્રિયા ઝડપી બને અને સમયબધ્ધ કાર્યક્રમને અનુલક્ષીને ભરતી લક્ષ્યાંકો પૂર્ણ થઇ શકે તેમજ પસંદગીનું ઊંચું ધોરણ જાળવીને યોગ્ય ઉમેદવારોની સરળ રીતે પસંદગી થઇ શકે તે હેતુથી આ ભરતી પ્રક્રિયામાં ફેરફાર કરવામાં આવ્યો છે. ગૌણ સેવા મંડળની પરીક્ષાની પદ્ધતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે. GSSSBની પરીક્ષા પદ્ધતિમાં ફેરફાર અંગે પરિપત્ર જાહેર કરાયો છે. જે મુજબ હવે 2 તબક્કામાં મંડળ દ્વારા પરીક્ષા લેવાશે. બન્ને કસોટીના ગુણના આધારે મેરીટ બનશે. આ સાથે કુલ જગ્યાના 2 ગણા ઉમેદવારો ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે લાયક ગણાશે. કરાયેલા ફેરફારને સમજીએ તો, પ્રથમ તબક્કામાં તાર્કિક અને ગાણિતીક એમ 60 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે.જ્યારે બીજા તબક્કામાં બંધારણ, વર્તમાન પ્રવાહ અને ભાષાના 30 માર્ક્સ રહેશે. તથા સંબંધિત વિભાગ, ઉપયોગિતાના મળીને 120 માર્કસ મળીને કુલ 150 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે.એટલે કે પ્રથમ તબક્કાની પરીક્ષા 60 માર્ક્સ અને બીજા તબક્કાની 150 માર્ક્સ એમ કુલ 210 માર્ક્સની પરીક્ષા લેવામાં આવશે.