ભારત-ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઇનલ મેચ જોવા આવશે પીએમ મોદી અને શાહ
ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલ મેચ આગામી 19 નવેમ્બરે અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને ભારત વચ્ચે રમાનાર છે. સૂત્રો તરફથી મળેલી માહિતી અનુસાર આ રોમાંચિત મેચ જોવા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અમદાવાદ ખાતે આવવાના છે. સૂત્રો તરફથી મળેલી જાણકારી મુજબ, ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ ઓસ્અટ્રેલિયા અને ભારત વચ્ચે રમાનારી મેચ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે, હજુ આ વાતની પુષ્ટિ થઈ નથી. જેને લઇ અમદાવાદ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. પોલીસ અને વહીવટી તંત્ર પણ આ મેચને લઈ એલર્ટ થઈ ગયા છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી વર્લ્ડ કપની ફાઇનલ મેચને લઈ અમદાવાદમાં હોટેલ અને પ્લેનના ભાડા પણ રાતો રાત આસમાને પહોંચ્યા છે.
ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને ડેપ્યુટી પીએમ રિચર્ડ માર્લ્સને પણ ઓસ્અટ્રેલિયા અને ભારત વચ્ચે રમાનારી મેચ જોવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાનારી આ મેચને જોવા માટે દુનિયાભરમાંથી લોકો આવવાના છે. દર્શકોના મનોરંજન માટે પણ સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. મેચ પહેલા સ્ટેડિયમમાં એરફોર્સ સૂર્યકિરણ દ્વારા એર શો કરવામાં આવશે. આ એર-શોનું રિહર્સલ આજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું. એર-શોનું રિહર્સલ જોઈને લોકોની ઉત્સુકતા વધી ગઈ છે. હવે અંતિમ દિવસે મેચ પહેલા સ્ટેડિયમમાં ફરી એકવાર એર શો જોવા મળશે.