ગાંધીનગર

‘વોકલ ફોર લોકલ’ સાથે દીપોત્સવી: માટીના કોડિયાંથી ચમકશે ઘર અને આંગણું

દિવાળી એટલે ઉત્સવોનો રાજા, પ્રકાશનો પર્વ અને આંગણે ઉમંગ અને ઉલ્લાસ લઈને આવતી ઋતુ. આ દિવસોમાં બજારોનો માહોલ જોવાલાયક હોય છે. રોશનીથી ઝળહળતી દુકાનો, રંગબેરંગી ખરીદી અને લોકોના ચહેરા પરનું સ્મિત આ તહેવારની અસલી રોનક છે. જેમ જેમ દિવાળી નજીક આવે છે, તેમ તેમ દરેક ઘર સાફ-સફાઈ, શણગાર અને ખરીદીની તૈયારીમાં વ્યસ્ત થઈ જાય છે. આ દિવાળીએ આપણે એક નાનો પણ ખૂબ જ મહત્વપૂર્ણ સંકલ્પ કરીએ ‘સ્વદેશી અપનાવવાનો’ અને આપણા જ દેશના સ્થાનિક કારીગરો, કલાકારો અને શ્રમિકોના જીવનમાં ખુશીઓનો દીપ પ્રગટાવવાનો. દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં દેશ આજે આત્મનિર્ભરતા અને ‘વોકલ ફોર લોકલ’ના મંત્ર સાથે એક નવી જ ઊંચાઈ સર કરી રહ્યો છે. તેમનું સ્વદેશી અભિયાન માત્ર એક આર્થિક નીતિ નથી, પરંતુ દેશના દરેક નાના કારીગર, શિલ્પી, વણકર અને સ્થાનિક ઉદ્યોગસાહસિકોના સન્માન અને ઉત્થાનનું પ્રબળ માધ્યમ બન્યું છે. જ્યારે દેશનો નાગરિક ‘મેડ ઇન ઇન્ડિયા’ ઉત્પાદનો અને પરંપરાગત હસ્તકળાને અપનાવે છે, ત્યારે તે રાષ્ટ્રના આર્થિક પાયાને મજબૂત કરવા સાથે કરોડો શ્રમિકોના ઘરમાં સમૃદ્ધિના દીપ પ્રગટાવવાનું પુણ્યનું કામ કરે છે. વડાપ્રધાનશ્રીની આ દીર્ઘદ્રષ્ટિથી પ્રેરિત થઈને, આપણે સૌએ પણ સ્થાનિક કલાકારોની પ્રતિભાને બિરદાવવાનો અને સ્વદેશીને જીવનમંત્ર બનાવવાનો સંકલ્પ કરવો જોઈએ.

સ્થાનિક કારીગરોનું સન્માન અને પરંપરાગત કળા
આપણા દેશમાં દિવાળી એટલે માત્ર આધુનિક લાઈટો કે પ્લાસ્ટિકની બનાવટો નહીં, પરંતુ માટીના કોડિયાં, હાથથી બનેલા તોરણો, રંગબેરંગી રંગોળી અને પરંપરાગત હસ્તકળાનો ઉત્સવ છે. કુંભારભાઈઓ મહિનાઓ અગાઉથી માટીના દીવાઓ ઘડવામાં મહેનત કરે છે, હાથ વણાટના કારીગરો સુંદર ડિઝાઇનો તૈયાર કરે છે અને નાના શ્રમિકો પોતાની નાની દુકાનો કે લારીઓ પર આશા સાથે બેસે છે કે આ તહેવાર પર તેમની મહેનત ફળશે. જ્યારે આપણે વિદેશી કે મશીનથી બનેલી સસ્તી ચીજવસ્તુઓ ખરીદીએ છીએ, ત્યારે અજાણતા જ આપણે આ મહેનતુ હાથો પાસેથી રોજી છીનવી લઈએ છીએ. તેના બદલે, જો આપણે સ્થાનિક બજારમાંથી, કુંભારો પાસેથી અને કુટિર ઉદ્યોગો સાથે જોડાયેલા કારીગરો પાસેથી ખરીદી કરીએ, તો તેમની દીવાળી પણ ખરા અર્થમાં દીપોત્સવી બની જાય છે.

દેશનું નાણું દેશના વિકાસમાં
આર્થિક દ્રષ્ટિએ પણ સ્વદેશી અપનાવવું આપણા રાષ્ટ્રહિતમાં છે. જ્યારે આપણે સ્થાનિક ઉત્પાદનો પાછળ નાણાં ખર્ચીએ છીએ, ત્યારે તે મૂડી આપણા જ દેશના અર્થતંત્રમાં પરિભ્રમણ કરે છે. આ નાણું ખેડૂતો, સ્થાનિક કારીગરો, નાના વેપારીઓ અને ઉદ્યોગસાહસિકોના હાથમાં પહોંચે છે, જેનાથી દેશનો પાયો મજબૂત બને છે. આપણી એક નાની ખરીદી કોઈના પરિવારના જીવનધોરણને સુધારી શકે છે અને રોજગારીની નવી તકોનું નિર્માણ કરી શકે છે.

સ્વદેશીનો અર્થ માત્ર વસ્તુઓ પૂરતો સીમિત નથી, પરંતુ તે દેશની પ્રતિભા, આત્મનિર્ભરતા અને પરંપરા પ્રત્યેનો આપણો આદર છે.

આ દિવાળીએ આપણો સંકલ્પ

* માટીના દીવાઓની ખરીદી: ચાઈનીઝ લાઈટો કે પ્લાસ્ટિકની બનાવટોને બદલે આપણા કુંભારભાઈઓના હાથના બનાવેલા માટીના દીવાઓથી ઘરને રોશનીથી ભરી દઈએ.

* સ્થાનિક બજારોને પ્રાથમિકતા: મોંઘા મોલ કે ઓનલાઈન પ્લેટફોર્મને બદલે આપણા આસપાસના નાના વેપારીઓ અને સ્થાનિક બજારોમાંથી જ ખરીદી કરીએ.

* સ્વદેશી ભેટ-સોગાદો: મિત્રો અને સ્વજનોને આપવાની ભેટોમાં પણ ‘મેડ ઇન ઇન્ડિયા’ અથવા સ્થાનિક હસ્તકળાની ચીજવસ્તુઓને અગ્રિમતા આપીએ.

દિવાળીનો સાચો આનંદ ત્યારે જ છે જ્યારે આપણા ઘરની સાથે-સાથે આપણા પાડોશી, આપણા દેશના શ્રમિક અને કારીગરના ઘરમાં પણ ખુશીનો દીપ પ્રગટે. તો ચાલો, આ દિવાળીએ સ્વદેશી અપનાવવાનો દ્રઢ સંકલ્પ કરીએ અને દેશના વિકાસમાં આપણું યથાશક્તિ યોગદાન આપીએ.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *