2015ના પાટીદાર દમનનો બદલો લેવા વિદેશમાં વસતા પાટીદારોનું અમિત શાહને હરાવવા અભિયાન
ગાંધીનગર:
અમેરિકા સહિત UK અને કેનેડામાં વસતા પાટીદાર સહિતના ગુજરાતી સમાજ દ્વારા ગાંધીનગર લોકસભાના ભાજપના ઉમેદવાર અમિત શાહને હરાવવા માટે એક્ટિવ થઈ ગયા છે. જેમાં અમેરિકાના ન્યુયોર્ક ખાતે શરૂ કરવામાં આવેલા ખાસ કોલ સેન્ટરના માધ્યમથી ગાંધીનગર લોકસભાના પાટીદાર સહિતના મતદારોનો સંપર્ક કરીને ભાજપના અમિત શાહ પાટીદાર વિરોધી હોવાથી તેમને મત ન આપવા અને જો કોંગ્રેસનો ઉમેદવાર પસંદ ન હોય તો નોટામાં મતદાન કરવા માટે ભલામણ કરવામાં આવી રહી છે.
કોલ સેન્ટરના માધ્યમથી અમિત શાહને મત ન આપવા સમજાવાશે:
અમેરિકામાં ચાલતા પ્રથમ ગુજરાત અભિયાનના આગેવાન દક્ષેશ પટેલે જણાવ્યું હતું કે અમેરિકા સહિત બીજા દેશોમાં વસતા પાટીદારો ભાજપથી નારાજ છે. ખાસ કરીને પાટીદાર આંદોલન દરમિયાન જે વિસ્તારોમાં પોલીસે પાટીદાર પરિવારો પર જુલમ કર્યો હતો તે વિસ્તારના ઉમેદવાર તરીકે પાટીદાર વિરોધ અમિત શાહને ટિકિટ આપી છે. ત્યારે ગાંધીનગર લોકસભામાં વસતા પાટીદાર સહિતના ગુજરાતીઓને અમે અમેરિકાવાસીઓ ટેલિફોનથી સંપર્ક કરીને અમિત શાહને મત ન આપવાનો પ્રચાર કરીશું. આ માટે ન્યુયોર્કમાં અમે ખાસ કોલ સેન્ટર ઉભુ કરવામાં આવ્યું છે. જેના માધ્યમથી ગાંધીનગર લોકસભામાં વિસ્તારમાં વસતા સગા-સંબંધીઓ, મિત્રો અને પાડોશીઓને કોલ કરીને ભાજપના મત ન આપવાની અપીલ કરવામાં આવશે. આ માટે અમે 15 સભ્યોની એક ટીમ બનાવી છે. જેના માધ્યમથી ટીમ સહિતના અન્ય સભ્યો અઠવાડિયામાં સાત કલાક આ કોલ સેન્ટરમાં આપશે. જેના માધ્યમથી અમે મતદારોનો સંપર્ક કરીશું.
પાટીદાર અનામત આંદોલનમાં થયેલા નુકસાનનો બદલો લેવા પ્રયાસ: વધુમાં તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2015માં પાટીદાર અનામત આંદોલન દરમિયાન પોલીસે ઘરમાં ઘુસીને મા-દીકરીઓને ગાળો બોલી તોડફોડ કરી હતી. જેનો બદલો લેવા માટેની આ તક પાટીદારો ન છોડે તે માટે પાટીદારોને સમજાવવામાં આવશે. આ ઉપરાંત 2015માં અમેરિકા આવેલા પીએમ મોદીએ પાટીદારો પર થયેલા લાઠીચાર્જની તપાસ કરવા અને આંદોલનમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારોને વળતર ચૂકવવા માટે હૈયા ધારણ આપી હતી. પરંતુ હજૂ સુધી કોઈ પગલા લેવાયા ન હોવાથી ગુજરાતના પાટીદારો સહિત અમેરિકા અને અન્ય દેશોમાં વસતા પાટીદારો પણ નારાજ છે તેથી તેનો બદલો લેવા માટે અમિત શાહને હરાવવા માટે અમે પ્રયાસ કરીશું.