PM મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે કુલ 7 પોલીસ કર્મીઓને કરાયા સસ્પેન્ડ
ભટીન્ડા-ફિરોઝપુરના હુસૈનીવાલા રોડ પર 10 માસ અગાઉ પીએમ મોદીની સુરક્ષામાં મોટી ચૂક થઈ હતી જેમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં એક SP ને સસ્પેન્ડ કર્યા બાદ મોટી અપડેટ સામે આવી રહી છે. જેમાં SP બાદ વધુ 6 કર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેમાં ફિરોઝપુરના તત્કાલિન એસપી ગુરવિંદરસિંહ સાંગા, ડીએસપી પરસન સિંહ, ડીએસપી જગદીશ કુમાર, ઈન્સ્પેક્ટર તેજિંદર સિંહ, બલવિંદર સિંહ, જસવંત સિંહ અને એએસઆઈ રાકેશ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ભટિંડા -ફિરોઝપુરના હુસૈનીવાલા રોડ પર 10 માસ અગાઉ પીએમ મોદી એક કાર્યક્રમમાં હાજરી આપવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન કેટલાક ખેડૂતોએ રસ્તામાં ટ્રેક્ટર પાર્ક કરીને હાઇવે બંધ કરી દીધો હતો.
કેટલાક લોકો કાળો ઝંડો લઈને વડાપ્રધાન મોદીની કાર પાસે પહોંચ્યા હતા. વડાપ્રધાન મોદીનો કાફલો ફિરોઝપુરના પ્યારે આના ફ્લાયઓવર પર 20 મિનિટ રોકાયો હતો. ત્યારબાદ PM મોદીની સુરક્ષામાં તૈનાત SPGએ ચાર્જ સંભાળ્યો હતો. PM મોદીએ ભિસિયાણા એરપોર્ટ પર હાજર અધિકારીઓને કહ્યું હતું કે, તમારા CMનો આભાર, હું જીવતો પાછો આવ્યો છું.
આ ઘટના દરમિયાન વડાપ્રધાન મોદીની સુરક્ષામાં થયેલી ચૂક મામલે સુપ્રિમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુપ્રિમ કોર્ટે સુરક્ષામાં થયેલી ચૂક મામલે તપાસ કરવા એક સમિતિની રચના કરવા આદેશ આપ્યો હતો અને તપાસ બાદ જવાબદાર અધિકારી સામે પગલાં ભરવા જણાવ્યું હતું. ત્યારે તપાસ માટે રચાયેલી સમિતિએ પોતાનો રિપોર્ટ સબમિટ કર્યો હતો. જેના આધારે પંજાબ DGP ગૌરવ યાદવે ફિરોઝપુરના તત્કાલિન SP ગુરવિંદરસિંહ સાંગાને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરી છે. તપાસમાં જણાવવામાં આવ્યું છે કે, તત્કાલિન ફિરોઝપુર SP ગુરવિંદર સિંહ સાંગાએ પોતાની ફરજમાં બેદરકારી દાખવી હોવાની વાત સામે આવી છે.