નવી પોલિસી અમલમાં આવતા હવે રજિસ્ટ્રેશન વગરના ઢોરને AMC ડબ્બામાં પુરશે
આજથી અમદાવાદમાં નવી ઢોર નિયંત્રણ પોલિસી અમલી બનશે. હવે રખડતાં ઢોરને લઈ તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. અને હવે કાર્યવાહીને અમલ કરવાનો સમય પણ આવી જતા હવે રખડતાં ઢોર ને લઈ હવે તંત્ર કડક કાર્યવાહીના મૂડમાં જોવા મળી રહ્યું છે. નવી ઢોર નિયંત્રણ પોલિસીની અમલવારી માટે મહાપાલિકાએ 90 દિવસનો સમય આપ્યો હતો જે પૂર્ણ થતા નવી પોલિસી અમલમાં મૂકાશે. નવી પોલિસી અમલમાં આવતા જ હવે રજિસ્ટ્રેશન વગરના ઢોરને પકડીને મહાનગરપાલિકા ડબ્બામાં પુરશે. એટલું જ નહીં નોંધણી વગરના પશુઓને શહેરની હદમાંથી બહાર કાઢી મુકવામાં આવશે.
આ પોલિસી મુજબ, ઢોર રાખનાર વ્યકિત કે સંસ્થાએ ફરજિયાત લાયસન્સ લેવાનું રહેશે. પાંજરાપોળ, ગૌશાળા, માન્ય સંસ્થાઓએ પણ લાયસન્સ અને પરમીટ લેવી પડશે. લાયસન્સ અને પરમીટમાં દર્શાવેલી સંખ્યાથી વધુ ઢોર હશે તો દંડ ફટાકરવામાં આવશે. ત્રણ વર્ષની લાયસન્સ ફી બે હજાર અને પરમીટ ફી 500 રૂપિયા છે. દર ત્રણ વર્ષે લાયસન્સ અને પરમીટ રિન્યુ કરાવવાની રહેશે. પોલિસી જાહેર થયાના બે મહિનામાં RFID ટેગ લગાવવો પડશે. RFID ટેગ ન લાગેલો હોય તો પશુ દીઠ 200 રૂપિયા ચાર્જ મનપા વસૂલશે. 4 મહિનામાં ટેગ નહીં લગાવાય તો ઢોરને ડબ્બે પુરવામાં આવશે અને ઢોર માલિક સામે પણ પોલીસ ફરિયાદ દાખલ કરાશે. આમ, નવી પોલિસી અમલમાં આવતા જ હવે રજિસ્ટ્રેશન વગરના ઢોરને પકડીને મહાનગરપાલિકા ડબ્બામાં પુરશે.