સેકટર-૨૨માં સ્વૈચ્છિક બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
ગાંધીનગર ખાતે દિવ્ય ભાસ્કર દ્વારા શહેરના સેવાભાવી યુવાનોની સ્વૈચ્છિક સંસ્થા હેપ્પી યુથ ક્લબના સહયોગથી આજે તા.૩૦ નવેમ્બરના રોજ સેક્ટર-૨૨માં દિવ્ય ભાસ્કર કાર્યાલય ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરની આયોજન દિવ્ય ભાસ્કર ગૃપના પૂર્વ ચેરમેન સ્વ. રમેશચંન્દ્રજી અગ્રવાલના ૭૯મા જન્મદિન “પ્રેરણા દિવસ” નિમિત્તે કરવામાં આવ્યું હતું. રક્તદાન શિબિરમાં શહેરના રક્તદાતાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો જેમાં રક્તદાતા મનોજ જોશીએ તેમને જીવનનું ૮૦મી વાર રક્તદાન કર્યું હતું. આ રક્તદાન કેમ્પમાં રક્ત એકત્ર કરવાની સેવા ગાંધીનગર સિવિલ હોસ્પિટલની બ્લડ બેંકની ટીમ દ્વારા પૂરી પાડવામાં આવી હતી તેમજ રક્તદાતાઓને રક્તદાતા પ્રમાણપત્રથી સન્માનિત કરવામાં આવ્યાં હતા.અત્રે એકત્ર કરાયેલું રક્ત દુર્ઘટનાગ્રસ્ત દર્દી, થેલેસેમિયા, ગર્ભવતી મહિલા અને ગંભીર બિમારીગ્રસ્ત દર્દીઓનું જીવન બચાવવામાં ઉપયોગી નીવડશે.