ગુજરાત

આગામી 5 વર્ષમાં ગુજરાતમાં 2 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરાશે

ગુજરાતને ઈલેક્ટ્રોનિક્સ સિસ્ટમ ડિઝાઈન એન્ડ મેન્યુફેક્ચરિંગ (ESDM) અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ માટે વૈશ્વિક કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાના વિઝન સાથે, રાજ્યમાં ઈલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ (2022-28) અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ (2022-27) માટે રાષ્ટ્રીય નીતિની શરૂઆત કરવામાં આવી છે. વિવિધ નીતિઓનો અમલ કરીને સમગ્ર દેશમાં વધુ શ્રેષ્ઠ ઉદાહરણ સ્થાપિત કરવામાં આવી રહ્યુ છે. ઉલ્લેખનીય છે કે સેમિકન્ડક્ટર સેક્ટર માટે ડેડિકેટેડ પોલિસી શરૂ કરનાર ગુજરાત દેશનું પ્રથમ રાજ્ય છે.
ગુજરાતમાં મેન્યુફેક્ચરિંગ પ્રવૃત્તિઓને વધુ સરળ બનાવવા અને તેને પ્રોત્સાહન આપવા માટે આ નીતિઓમાં તમામ જરૂરી જોગવાઈઓનો સમાવેશ કરવામાં આવ્યો છે.

આ નીતિઓ દ્વારા, ગુજરાત સંરક્ષણ ક્ષેત્ર અને ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રમાં સેમિકન્ડક્ટર ચિપ્સના વ્યાપક ઉપયોગની શક્યતાઓ જોઈ રહ્યું છે. ગુજરાત સરકાર તેની સેમિકન્ડક્ટર પોલિસી દ્વારા આગામી 5 વર્ષમાં આ સેક્ટરમાં 2 લાખથી વધુ નોકરીઓનું સર્જન કરવાનો લક્ષ્યાંક ધરાવે છે. વિશ્વની સૌથી મોટી સેમિકન્ડક્ટર ચિપ મેન્યુફેક્ચરિંગ કંપની માઈક્રોને ગુજરાતમાં સૌપ્રથમ રોકાણ કર્યુ છે. ગુજરાતના ભાવિ વિકાસ માટે સેમિકન્ડક્ટર સેક્ટરને મુખ્ય તાકાત બનાવવાના ઉદ્દેશ્ય સાથે, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024 સંબંધિત વિવિધ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય રોડ શો અને પ્રતિનિધિમંડળના પ્રવાસોનું આયોજન કર્યું છે.

ગુજરાત સરકારના પ્રતિનિધિમંડળની આ મુલાકાતોએ રાજ્યની વિકાસ યાત્રા પ્રદર્શિત કરવાની, ભવિષ્યના વિકાસ માટેના રાજ્યના વિઝનને શેર કરવાની અને ગુજરાતની વિકાસ યાત્રામાં ભાગીદાર બનવા માટે તેમને આમંત્રિત કરવાની અનન્ય તક પૂરી પાડી છે.
VGGS 2024 પહેલા વિવિધ આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રોડ શો અને પ્રતિનિધિમંડળની મુલાકાતો દ્વારા અત્યાર સુધીમાં 1000 થી વધુ કંપનીઓનો સંપર્ક કરવામાં આવ્યો છે. આ મુલાકાતોએ ગુજરાતના વિકાસના વિઝનને અનુરૂપ વ્યૂહાત્મક ભાગીદારીને પ્રોત્સાહન આપવામાં અને માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના “વિકસિત ભારત@2047″ના વિઝનને સાકાર કરવામાં મદદ કરી છે.
ઉપરાંત, આ પ્રતિનિધિમંડળની મુલાકાતો અને રોડ શોના પરિણામે, જાપાન, દક્ષિણ કોરિયાની કંપનીઓ તેમજ નવી દિલ્હી અને બેંગલુરુમાં ભારતીય-સ્થિત કંપનીઓએ આ ક્ષેત્રમાં રોકાણની તકો શોધવામાં ઊંડો રસ દાખવ્યો છે. આ કંપનીઓએ સેમિકન્ડક્ટર ઉદ્યોગ માટે રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, એસેમ્બલી ટેસ્ટીંગ, પેકેજિંગ અને મહત્વપૂર્ણ કોમ્પોનન્ટના ઉત્પાદન અને ડેવલપિંગ એન્જિનિયરિંગ/ટેક્નોલોજી સેન્ટર્સ વિકસાવવામાં તેમની રુચિ દર્શાવી છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x