ગાંધીનગરગુજરાત

VGGS 2024: 7-9 ડિસેમ્બર દરમિયાન ગુજરાતમાં 14મી કન્વેન્શન્સ ઇન્ડિયા કોન્ક્લેવનું આયોજન થશે

વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024ના ભાગરૂપે, ટુરિઝમ કૉર્પોરેશન ઓફ ગુજરાત (TCGL) અને ઇન્ડિયા કન્વેન્શન પ્રમોશન બ્યૂરો (ICPB) દ્વારા સંયુક્ત રીતે 7થી 9 ડિસેમ્બર દરમિયાન ‘સસ્ટેનેબલ MICE: એમ્પાવરિંગ ઇવેન્ટ ટુવર્ડ્સ ધ 5 ટ્રિલિયન ડૉલર ઇકોનોમી’ થીમ પર ત્રણ દિવસીય 14મી કન્વેન્શન્સ ઇન્ડિયા કોન્ક્લેવનું આયોજન ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરવામાં આવ્યું છે. 
ઉલ્લેખનીય છે કે ICPB ભારતની એક સમર્પિત રાષ્ટ્રીય ટોચની સંસ્થા છે જે ભારતને એક પ્રમુખ MICE (બેઠકો, પ્રોત્સાહન, સંમેલન અને પ્રદર્શનો) ક્ષેત્ર તરીકે રજૂ કરે છે. 
આ પ્રી-વાયબ્રન્ટ કાર્યક્રમ સંદર્ભે ગુજરાતના પ્રવાસન વિભાગના સચિવ શ્રી હારિત શુક્લા (IAS) અને ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત (TCGL)ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. સૌરભ પારધી (IAS)એ ગાંધીનગરની લીલા હોટલમેં પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.

પ્રેસ કોન્ફરન્સમાં ઉપસ્થિત ટુરિઝમ કોર્પોરેશન ઓફ ગુજરાત (TCGL)ના મેનેજિંગ ડિરેક્ટર ડૉ. સૌરભ પારધી (IAS)એ જણાવ્યું કે, “ગુજરાત, તેના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસા, સ્થાપત્યની અજાયબીઓ અને વૈવિધ્યસભર લેન્ડસ્કેપ્સ સાથે લીઝર અને બિઝનેસ ટ્રાવેલર્સ બંને માટે આકર્ષક સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. મોટી કોન્ફરન્સ અને કાર્યક્રમો યોજવામાં ગુજરાત હંમેશા અગ્રેસર રહ્યું છે. આને એક અલગ સ્તર પર લઈ જવા માટે 14મા કન્વેન્શન ઈન્ડિયા કોન્ક્લેવ દ્વારા પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવશે. અમે તાજેતરમાં G20, વાઇબ્રન્ટ ગુજરાત, ડિફેન્સ એક્સ્પો, પ્રવાસી ભારતીય દિવસ અને બીજી ઘણી MICE ઇવેન્ટ્સનું આયોજન કર્યું છે જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે.”
ડૉ. સૌરભ પારધીએ વધુમાં જણાવ્યું કે, “મોટી MICE ઈવેન્ટ્સનું આયોજન કરવા માટે ગુજરાતમાં અમારી પાસે મહાત્મા મંદિર, સ્ટેચ્યુ ઑફ યુનિટી, રણ ઉત્સવ અને અન્ય અત્યાધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર છે,

જે સફળતાપૂર્વક કાર્યક્રમની યજમાની કરવા માટે ગુજરાતની પ્રતિબદ્ધતાનું પ્રતીક છે. આ પ્લેટફોર્મ અમને ગુજરાતના એવા સ્થળોએ પ્રદર્શિત કરવાની તક આપશે, જ્યાં નોંધપાત્ર કાર્યક્રમોથી મોટી સંખ્યામાં પ્રવાસીઓ આકર્ષિત થાય છે.”
ગુજરાતના પ્રવાસન વિભાગના સચિવ શ્રી હારિત શુક્લા (IAS) એ કહ્યું, “MICE સેક્ટર એ આખા વર્ષ દરમિયાન પ્રવાસનને વેગ આપવા માટે પ્રવાસન ક્ષેત્રમાં કરવામાં આવેલા મહત્વપૂર્ણ પ્રયાસો પૈકીનું એક છે. તેની એક વિશેષતા એ છે કે આખું વર્ષ કોન્ફરન્સ અને મીટિંગ્સ આયોજિત થાય છે અને તેના કારણે અર્થતંત્રને સીધો લાભ થાય છે. તેથી ગુજરાત હવે તે ક્ષેત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે.”
ગુજરાત પ્રવાસન વિભાગના સચિવ શ્રી હારિત શુક્લા (IAS) એ વધુમાં જણાવ્યું, “ગત વર્ષના રિપોર્ટ મુજબ, પ્રવાસન ક્ષેત્રે ભારતની મુલાકાત લેવા આવતા કુલ વિદેશી પ્રવાસીઓમાં ગુજરાત નંબર વન પ્રેફરન્સ છે.

સ્થાનિક પ્રવાસનના ક્ષેત્રમાં પણ ગુજરાત ટોચના પાંચમાં સ્થાન ધરાવે છે.”
શ્રી હારિત શુક્લા (IAS) એ વધુમાં જણાવ્યું કે, “અમને ગુજરાતમાં આ કાર્યક્રમની યજમાની કરવાનો ખૂબ આનંદ છે. અમારો ઉદ્દેશ ગુજરાતની ભારતની MICE ઇન્ડસ્ટ્રીમાં હાઇલાઇટ કરવાનો છે. આ માટે અમે ‘મીટ ઇન ઇન્ડિયા’ નામક સબ-બ્રાન્ડનું નિર્માણ પણ કરવા જઇ રહ્યા છીએ. આ માટે એમઓયુ સાઇન કરવામાં આવશે જે ભારતની MICE ઇન્ડસ્ટ્રીને અને પ્રવાસન ક્ષેત્રને સુવિધા પ્રદાન કરશે.”
કાર્યક્રમમાં ઉપસ્થિત ICPBના વાઇસ ચેરમેન શ્રી અમરેશ તિવારીએ ICPBની ભૂમિકા અને આ કાર્યક્રમમાં તેમની ભાગીદારી વિશે જણાવતા કહ્યું, “ઈન્ડિયા કન્વેન્શન પ્રમોશન બ્યુરોનો ઉદ્દેશ્ય ભારતમાં MICE એટલે કે મીટિંગ્સ, ઈન્સેન્ટિવ્સ, કોન્ફરન્સ અને પ્રદર્શન સુવિધાઓને પ્રોત્સાહન આપવાનો છે. વિકસિત દેશોમાં અમેરિકા, ફ્રાન્સ, જર્મની અને ઓસ્ટ્રેલિયા MICE માટે ટોચના દેશો છે. MICE ઇવેન્ટ્સમાં, જ્ઞાનની વહેંચણી અને નિષ્ણાતો દ્વારા તેમના વિચારોની આપ-લે દેશના વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપે છે.”
તેમણે વધુમાં કહ્યું કે,

“ICPB એરલાઈન્સ, હોટેલ ઈન્ડસ્ટ્રી, કન્વેન્શન વેલ્યુ, પ્રોફેશનલ કોન્ફરન્સ ઓર્ગેનાઈઝર્સ (PCO), સપ્લાય ચેઈન મેનેજમેન્ટ, ફેબ્રિકેશન અને ફોટોગ્રાફર્સની સમગ્ર ઈકોસિસ્ટમને આવરી લે છે. ICPB દ્વારા અમે MICE માટે દેશનું માર્કેટિંગ કરીએ છીએ અને અમે અમારા દેશને વિશ્વ માટે MICE ડેસ્ટિનેશન બનાવવાનું લક્ષ્ય રાખીએ છીએ.”
તેમણે કહ્યું કે, “અમારું વિઝન આગામી 5 વર્ષમાં ઓછામાં ઓછા 10 વર્લ્ડ-ક્લાસ MICE કેન્દ્રો સ્થાપિત કરવાનું છે, જેમની ગણના આગામી સમયમાં ટોચના 50માં કરવામાં આવશે. જેમાંથી એક અમદાવાદનો પણ હશે અને ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં અમે આ દિશામાં ઝડપથી કામ કરી રહ્યા છીએ.”
પ્રી-વાયબ્રન્ટ કાર્યક્રમ તરીકે આયોજિત થનારી 14મી કન્વેન્શન ઇન્ડિયા કોન્ક્લેવનું ઉદ્ઘાટન ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અને ગુજરાત પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ,

વન તથા પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી મૂળુભાઇ બેરાની ઉપસ્થિતિમાં થશે. આ કાર્યક્રમમાં 300 ડેલિગેટ્સ સામેલ થશે. સાથે, 30 પ્રદર્શન અને 80 ખરીદનાર આ કાર્યક્રમમાં ભાગ લેશે. 
કાર્યક્રમની શરૂઆત ICPBના વાઇસ ચેરમેન શ્રી અમરેશ તિવારીના સ્વાગત પ્રવચનથી થશે. આ કાર્યક્રમમાં ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ અને આબોહવા પરિવર્તન મંત્રી શ્રી મૂળુભાઇ બેરા, ગુજરાતના MICE ઉદ્યોગની ઉપયોગિતા અને ભવિષ્ય વિશે તેમના વિચારો રજૂર કરશે.

આ કાર્યક્રમમાં ભારત સરકારના પ્રવાસન મંત્રાલયના અધિક સચિવ શ્રી રાકેશ કુમાર વર્મા (IAS), ગુજરાત સરકાર પ્રવાસન વિભાગના સચિવ, શ્રી હારિત શુક્લા (IAS), અને ICPB ના વરિષ્ઠ સભ્યો પણ ઉપસ્થિત રહેશે અને તેમનો અભિગમ રજૂ કરશે.
ICPB (ઇન્ડિયા કન્વેન્શન પ્રમોશન બ્યુરો) એ સમગ્ર MICE ઉદ્યોગની ભાગીદારી સાથે ભારતમાં એકમાત્ર ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી બોડી છે. તેમાં રાજ્ય સરકારો, હોટેલ્સ, એરલાઇન્સ, ટૂર ઓપરેટર્સ, ટ્રાવેલ એજન્ટ્સ, પ્રોફેશનલ કોન્ફરન્સ આયોજકો, ઇવેન્ટ મેનેજર્સ અને શૈક્ષણિક સંસ્થાઓના સભ્યોનો સમાવેશ થાય છે.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

x