વિકસિત ભારત સંકલ્પ યાત્રા: લવારપુર ખાતે CMની હાજરીમાં કાર્યક્રમ યોજાયો
વડાપ્રધાન મોદીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગાંધીનગરના લવારપુર ખાતે ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ હેઠળ આયોજિત કાર્યક્રમમાં સહભાગી થયા હતા. વડાપ્રધાને ગુજરાત સહિત દેશભરના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો તેમજ જન-જન સુધી સરકારના લાભો પહોંચાડીને વિકસિત ભારતના સંકલ્પને સાકાર કરવાની નેમ વ્યકત કરી હતી.
આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ સરકારની વિવિધ યોજનાઓની લોકોને માહિતી આપી હતી. યોજાયેલ કાર્યક્રમમાં લવારપૂર મુકામે સંકલિત ભારત યાત્રા રથનું સ્વાગત મુખ્યમંત્રી પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ગાંધીનગર તાલુકાના બંને ધારાસભ્યો, સાંસદ, પદાધિકારીઓ, પક્ષના હોદ્દેદારો તેમજ જિલ્લાના પ્રમુખ, કલેકટર, જિલ્લા વિકાસ અધકારી, તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા ખેતવાડી અધિકારી, મદદનીશ ખેતી અધિકારી તેમજ તાલુકાનો ખેતીવાડી સ્ટાફ અને મોટી સંખ્યામાં ગામના લોકો, ખેડૂતો હાજર રહ્યા હતા. તેમજ આ કાર્યક્રમમાં સરકારની વિવિધ યોજનાઓ માટે જુદા જુદા સ્ટોલ બનાવવામાં આવ્યા હતા તેમજ જિલ્લાના ખેતીવાડી વિભાગ દ્વારા ડ્રોન ટેકનોલોજી અંતર્ગત લાઇવ ડેમોસ્ટેશન નજીકના ખેતરમાં કરવામાં આવ્યું હતું. જ્યાં મુખ્યમંત્રી દ્વારા રૂબરૂ નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
મુખ્યમંત્રીએ ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ અંતર્ગત લાભાર્થીઓને સરકારની કલ્યાણકારી યોજનાઓના લાભોનું વિતરણ તેમજ શ્રેષ્ઠ રમતવીરો અને યોજનાઓના સેચ્યુરેશનના લક્ષ્યને સાધવામાં અનન્ય યોગદાન આપનાર કર્મવીરોનું સન્માન કર્યું હતું. મુખ્યમંત્રીએ જનસુખાકારીની ગેરંટી સમાન ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ના કાર્યક્રમ દરમિયાન લાભાર્થીઓ તેમજ ગ્રામજનો-વડીલો-યુવાઓ-બાળકો સાથે આત્મીય સંવાદ પણ સાધ્યો હતો.
મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, માનનીય વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં સરકારની દરેક યોજનાના કેન્દ્રસ્થાને છેવાડાના માનવીનો વિકાસ રહેલો છે અને તેમના સુધી લાભો પહોંચાડવા માટે સરકાર પ્રતિબદ્ધ છે. તેમણે ઉમેર્યું હતું કે, આજે છેવાડાના ગામો અને નાગરિકો સરકારની વિવિધ યોજનાઓના લાભ થકી વિકાસના મુખ્ય પ્રવાહમાં જોડાઈને સમૃદ્ધ બન્યા છે.