ગાંધીનગર

ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે ‘વિકસિત ભારત @2047’ કાર્યક્રમનું લાઈવ ટેલિકાસ્ટ યોજવામાં આવ્યું

માનનીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજે વીડિયો કોન્ફરન્સિંગ મારફતે ‘વિકસિત ભારત @2047: વોઈસ ઑફ યુથ’નો શુભારંભ કરાવ્યો હતો. ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે આ કાર્યક્રમનું લાઈવ પ્રસારણ કરવામાં આવ્યું હતું, જેમાં યુનિવર્સિટીના કુલસચિવશ્રી, અધ્યાપકો, વિદ્યાર્થીઓ સહિત શૈક્ષણિક અને બિનશૈક્ષણિક સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. 
વર્ષ 2047માં ભારતની સ્વતંત્રતાની શતાબ્દી પૂર્ણ થશે ત્યારે ભારતના યશસ્વી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા આ સમય મર્યાદામાં ભારત વિકસિત રાષ્ટ્ર બની શકે છે, તેવો શુભસંકલ્પ કરવામાં આવ્યો છે. પોતાના મનનીય પ્રવચનમાં માનનીય વડાપ્રધાનશ્રી દ્વારા યુવાધનને વિકસિત ભારત @2047 અભિયાનમાં જોડાવવા માટે આહ્વાન કર્યું હતું.

જે અનુસંધાને ચિલ્ડ્રન્સ રિસર્સ યુનિવર્સિટી દ્વારા યુવાધનને જાગૃત તેમજ પ્રોત્સાહિત કરવા માટે યુનિવર્સિટી પરિસર બહાર વિકસિત ભારત @2047ની થીમ પર એક સેલ્ફી સ્ટેન્ડ પણ મૂકવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુનિવર્સિટી પરિસર બહાર વિશાળ ત્રિરંગાનો શણગાર પણ કરવામાં આવ્યો હતો. 
’વિકસિત ભારત @2047: વોઈસ ઑફ યુથ’ કાર્યક્રમમાં માનનીય વડાપ્રધાનશ્રીના સંબોધન બાદ વિકસિત ભારત @2047ની થીમ ઉપર ચર્ચાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ ચર્ચામાં યુનિવર્સિટીના અધ્યાપક ડૉ. ધર્માંશુ વૈદ્ય દ્વારા ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાના વિવિધ પાસાંઓ ઉપર ઊંડાણપૂર્વક ચિંતન રજૂ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના માનનીય કુલપતિશ્રી ડૉ. હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, “માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલું આ અભિયાન વર્ષ 2047 સુધીમાં વિકસિત ભારત તરફના પ્રયાસોને સંરેખિત કરવા માટે એક મહત્વપૂર્ણ પગલું છે.” વધુમાં, રાષ્ટ્ર પ્રત્યે સમર્પિત યુવાનો માનનીય વડાપ્રધાનશ્રીના સંકલ્પને સાકાર કરી શકશે તેવો આશાવાદ પણ મા. કુલપતિશ્રીએ વ્યક્ત કર્યો હતો.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *