ગાંધીનગર સાહિત્યસભા દ્વારા શબદ વિમોચન અને રજતજયંતી મહોત્સવ
તા. ૦૯-૧૨-૨૦૨૩ ના રોજ IITE, સે.૧૫ ગાંધીનગર ખાતે ગાંધીનગર સાહિત્યસભા દ્વારા દીપોત્સવી વિશેષાંક “શબદ ” વિમોચન અને રજતજયંતી મહોત્સવ કાર્યકમ યોજાયો હતો. સુપ્રસિદ્ધ બાળ સાહિત્યકાર શ્રી યશવંતભાઈ મહેતા આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા તથા જાણીતા વરિષ્ઠ સાહિત્યકાર પ્રવીણભાઇ ગઢવી અતિથિ વિશિષ્ટ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. ગાંધીનગરના ગરવા ગુજરાતી સાહિત્યકારો અને ભાવકોની સાથે ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય સાહિત્યકાર શ્રી મધુ રાય પણ ઉપસ્થિત રહ્યા હતા.
“શબદ ” દીપોત્સવી વિશેષાંકને ભારતના માનનીય પ્રધાન મંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા ગુજરાતના મુખ્ય મંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના ” શુભેચ્છા સંદેશ ” પ્રાપ્ત થયેલ છે. આ દીપોત્સવી વિશેષાંકમાં પદ્ય વિભાગમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની રચના “આખું વિશ્વ” થી શરુઆત કરી ગુજરાતના જાણીતા – નિવડેલા સર્જકો તેમજ ગાંધીનગર સાહિત્ય સભાના સભ્યો- સર્જકો ની ૧૨૪ પદ્ય રચનાઓ અને 51 ગદ્ય કૃતિઓ સમાવિષ્ટ છે.
આ પ્રસંગે પ્રમુખ શ્રી રમેશભાઈ ઠક્કર તથા ઉપપ્રમુખ શ્રી પ્રતાપસિંહ ડાભીએ મહેમાનોને આવકાર્યા હતા. સભાનો શુભારંભ સુશ્રી માયા ચૌહાણની ભાવવાહી પ્રાર્થનાથી થયો હતો . સમગ્ર કાર્યક્રમનું સંચાલન- સંકલન સાહિત્યસભાના ઊર્જાવાન મંત્રી શ્રી સંજય પટેલે કર્યું હતું.