પ્રદુષણ વ્યવસ્થાપન કરવા તમામ ગામોને સહાય આપવામાં આવશે
ગાંધીનગર :
ગ્રામ પંચાયતોમાં કાયમી ધોરણે પ્રદુષણ મેનેજમેન્ટની કામગીરી ગોઠવાવા માટે વસ્તીના ધોરણે ફંડની ફાળવણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા કરાશે.
સુત્રોના જણાવવા પ્રમાણે જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોને નિર્મળ ગામ બનાવવા માટે અને સ્વચ્છતાની અન્ય તમામ કામગીરી થઇ શકે તે હેતુથી સ્વર્ણિમ ગુજરાત વર્ષ અંતર્ગત ગામના તમામ રસ્તા, શેરી અને અન્ય સાર્વજનિક જગ્યાએથી પ્રદુષણકારી ઉકરડા તેમજ પોલીથીન પ્લાસ્ટીક બેગ્સ હટાવવા અને તેની વ્યવસ્થા માટે હાથ ધરાનાર કામગીરી માટે સરકાર તરફથી સહાય અપાશે. તમામ ગ્રામ પંચાયતોમાં કાયમી ધોરણે પ્રદુષણ મેનેજમેન્ટની કામગીરી માટે વસ્તીના ધોરણે ફંડની ફાળવણી જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા તાલુકાઓને કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
ગાંધીનગર જિલ્લાની જે ગ્રામ પંચાયતોમાં 5 હજાર સુધીની વસ્તી હોય તેમને ગ્રામ પંચાયત દીઠ 5,000/- જ્યારે 5હજારથી 7હજાર સુધીની વસ્તી હોય ત્યાં 7,000 અને 7001થી વધુ વસ્તી ધરાવતી દરેક ગ્રામ પંચાયતનોને 10,000ની રકમ ફાળવાશે. આ રકમની ફાળવણી જે તે ગ્રામ પંચાયતને ગામમાંથી ઉકરડા અને પોલિથીન પ્લાસ્ટીક બેગ્સના કાયમી નિકાલની વ્યવસ્થા થયા બાદ કરાશે.
દરમિયાન એમ પણ જણાવાયુ કે આ રકમ ઉપરાંત ગ્રામ પંચાયત દ્વાર ગામમાંથી ઉઘરાવવામાં આવેલો સફાઇવેરો, નાણા પંચમાંથી મળતી ફાળાની રકમ તથા અન્ય ફંડનો ઉપયોગ કરી કાયમી ધોરણે પ્રદુષણકારી મુદ્દાઓનો નિકાલ લાવવાની વ્યવસ્થા કરવાની રહેશે.