અક્ષરધામ અને સિવિલનું વોટર એટીએમ બંધ રહેતા લોકોને ભારે હાલાકી
ગાંધીનગર :
ઉનાળાની સીઝનમાં નગરવાસીઓને સસ્તાભાવે મીનરલ વોટર મળી રહે તે માટે સિવીલ હોસ્પિટલ અને અક્ષરધામ ખાતે મહાનગરપાલિકા દ્વારા વોટર એટીએમ મુકવામાં આવ્યા છે. પરંતુ બે મહિનાથી વધુ સમય થવા છતાં વોટર એટીએમ ચાલુ નહી કરતા લોકોને ન છુટકે બજારમાંથી પાણી લેવાની ફરજ પડી રહી છે. ત્યારે સ્માર્ટસીટી અંતર્ગત મુકાયેલા વોટર એટીએમ ચાલુ કરવામાં આવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.
ગાંધીનગરને સ્માર્ટ સીટી બનાવવાની દિશામાં મહાનગર પાલિકા દ્વારા કામગીરી કરાઇ રહી છે. સ્માર્ટસીટી અંતર્ગત નગરના મુખ્યમાર્ગો ઉપર સીસી કેમેરા ફીટ કરી દેવામાં આવ્યા છે. ઉપરાંત નગરવાસીઓને બજાર કરતા સસ્તાદરે મિનરલ ઠંડુ પાણી મળી રહે તે માટે મહાનગર પાલિકા દ્વારા મોટાઉપાડે વોટર એટીએમ મુકવામાં આવ્યા છે. જેમાં કલેક્ટર કચેરી પાસે, સેક્ટર-21માં મુકાયેલા વોટર ચાલુ હોવાથી લોકો તેનો લાભ લઇ રહ્યા છે. જ્યારે ગાંધીનગર સિવીલ હોસ્પિટલ અને અક્ષરધામ ખાતે વોટર એટીએમ મુક્યાને બે-બે મહિનાથી પણ વધારે સમય થવા છતાં વોટર એટીએમ બંધ હાલતમાં જ રહ્યા છે. આથી લોકોને સસ્તાદરે ઠંડુ મીનરલ પાણી મળવાની આશા ઠગારી નિવડી છે.
સિવીલ તેમજ અક્ષરધામ બન્ને સ્થળોઠએ લોકોનો ધસારો વિશેષ રહેતો હોય છે. તેમાંય હાલમાં ઉનાળાંની ઋતુ ચાલુ રહી છે. ત્યારે જો અક્ષરધામ અને સિવીલ હોસ્પિટલ ખાતેના વોટર એટીએમ ચાલુ કરવામાં આવે તો લોકોને બજારમાંથી મોંઘા ભાવે ઠંડુ પાણી ખરીદવું પડે નહી.
મહાનગરપાલિકા દ્વારા સિવીલ હોસ્પિટલ અને અક્ષરધામ ખાતે એટીએમ મુકવાની તમામ કામગીરી પૂર્ણ કરી દેવામાં આવી છે. તેમ છતાં અગમ્ય કારણસર વોટર એટીએમ બંધ રાખવામાં આવતા લોકોમાં રોષ ઉઠવા પામ્યો છે. વોટર એટીએમ માટે વીજ કનેક્શન, અન્ડર ગ્રાઉન્ડ પાણીની ટાંકી તેમજ મીનરલ પાણી મળી રહે તે માટે આરઓ પ્લાન્ટ તથા પાણી ઠંડુ થાય તે કુલર સહિતની સિસ્ટમ ફીટ કરી દીધા બાદ વોટર એટીએમ ચાલુ નહી કરાતા લોકોના મનમાં અનેક પ્રશ્નો ઉઠી રહ્યા છે.
ગરમીમાં જ વૉટર એટીએમ બંધ થતાં રોષ
પાટનગરમાં ખાસ કરીને અક્ષરધામ તેમ જ સિવિલ હોસ્પિટલમાં આવતા લોકોને ઉનાળામાં પીવાનું પાણી મળી રહે તે માટે એટીએમ ગોઠવવામાં આવ્યા છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી શહેરના આ બંને સ્થળોએ અસહ્ય ગરમી વચ્ચે વૉટર એટીએમ બંધ રહેતા આ સ્થળોએ આવતાં લોકોને પીવાના પાણીના મામલે ભારે હાડમારી ભોગવવી પડી રહી છે.