વાવોલમાં ટીપી-૧૩માં એક બિલ્ડરને સાચવવા તંત્ર દ્વારા અર્જુન 226થી શિવમ રેસીડેન્સીનો રોડ બનાવાતો નથી
છેલ્લાં એક વર્ષથી ટીપી-૧૩માં અર્જુન 226થી શિવમ રેસીડેન્સી સુધીનો માર્ગ જાણી જોઈને બનાવાતો નથી : ગુડા અને મનપાના કોર્પોરેટરોને અનેક રજૂઆતો છતાં પરિસ્થિતિ જેમની તેમ : આ રોડ પરણી તમામ સોસાયટીના રહીશોને આવનજાવનમાં ભારે મુશ્કેલી : આખા ન્યુ વાવોલમાં બધા રોડ નવા થઇ ગયા પણ એક બિલ્ડરને સાચવવા આ રોડ બનાવતો નથી, મીલીભગત અને ભ્રસ્ટાચારની શંકા.
શહેરના વોર્ડ નં.૭માં ટીપી-૧૩માં સમાવિષ્ટ ન્યુ વાવોલ વિસ્તારમાં ફરી એકવાર રોડના અધૂરાં મૂકી દેવાયેલા કાર્યને કારણે વિવિધ સોસાયટીના રહીશો માટે અત્યંત વિકટ પરિસ્થિતિ સર્જાવા પામી છે. ન્યુ વાવોલમાં દિયા ગ્રીન્સ પાર્ટી પ્લોટથી શિવમ રેસીડેન્સી સુધીના એકમાત્ર રોડનું કામ આ વખતે પણ ટલ્લે ચડાવી દેવાયું છે. છેલ્લાં એક વર્ષથી આ રોડ પરની સોસાયટીઓના રહીશો દ્વારા ગુડા અને મનપાના મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન અને કોર્પોરેટર્સ સહીત વિવિધ સ્તરે અનેક રજૂઆતો કરવા છતાં જવાબદાર તંત્ર દ્વારા દાખવવામાં આવી રહેલી બેદરકારીના કારણે અર્જુન 226થી લઈને શિવમ રેસીડેન્સી અને નીલકંઠ ઓસન સુધીની વસાહતીઓ માટે ત્રાસજનક પરિસ્થતિનું નિર્માણ થવા પામ્યું છે જેના કારણે વસાહતીઓમાં આક્રોશની લાગણી પ્રસારવા પામી છે.
છેલ્લાં એક વર્ષથી આ રોડ પર એક બિલ્ડરની સ્કીમનું કામ ચાલુ હોવાથી તેનો લોખંડ સહીતનો માલસામાન રોડ પર જ પડી રહ્યો હોય છે અને રોડ પર જ તેના શ્રમિકોના ગેરકાયદેસર રીતે છાપરા બાંધીને રહે છે અને શિવમ સોસાયટીની સામે જ ગુડાના ખાલી પ્લોટમાં જાહેરમાં ન્હાવા-ધોવા અને શૌચાલય કરવા જાય છે જેના કારણે મહિલાઓ ક્ષોભજનક પરિસ્થિતમાં મુકાય છે અને મળમૂત્રની ગંદકી સાથે દુર્ગંધથી વસાહતીઓના માથે રોગચાળાનો ખતરો મંડરાતો રહે છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ બિલ્ડર ભાજપના કોર્પોરેટરના જ્ઞાતિનો અને તેમના ગ્રુપનો હોવાથી તેની સામે કોઈ પગલાં લેવામાં આવતા નથી. આ બાબતે ગુડામાં કરેલી અનેક રજૂઆતોના સામે ગુડાના અધિકારીઓ વસાહતિઓને છેલ્લાં એક વર્ષથી બિલ્ડર સામે પગલા ભરવાની અને તુરંત રોડ બનાવી આપવાના વાયદા કરે રાખે છે પરંતુ બિલ્ડર પાસે જઈને તોડ કરી આવતા હોવાની આ વિસ્તારના રહીશોમાં શંકા પ્રવર્તી રહી છે, જો એવું ના હોય તો એક વર્ષ જેટલા લાંબા ગાળામાં આટલો નાનો પ્રશ્ન કેમ ઉકેલી શકાતો નથી તે એક મોટો પ્રશ્નાર્થ છે.
શહેરના ન્યુ વાવોલ વિસ્તારમાં પાઇપલાઇન અને ગટરલાઇનના કાર્યો બાદ રોડરસ્તાના અધુરાં અને નબળાં કાર્યોને પગલે કફોડી સ્થિતિ સર્જાવા પામી છે અને વાહનચાલકોથી માંડીને રાહદારીઓ માટે મુશ્કેલ સ્થિતિનું નિર્માણ થયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે ન્યુ વાવોલમાં લાંબા સમયથી ચાલતાં અને વિલંબિત અધુરાં રહેલાં વિકાસ કાર્યોને પગલે નાગરિકોને પારાવાર મુશ્કેલી અનુભવાઇ રહી છે જેમાં ખાસ કરીને દિયા ગ્રીન્ઝ પાર્ટી પ્લોટથી માંડીને શિવમ્ રેસિડેન્સી સુધીના માર્ગ પર રોડ બનાવાના બાકી કામ સહિત ખોદકામ કરીને અધુરાં મુકી દેવાયેલા માર્ગ પર હવે છેલ્લાં એક અઠવાડિયાથી હોટમિક્સ પાથરીને અધૂરાં રખાયેલા કાર્યને કારણે આ વિસ્તારના નાગરિકો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. અનેક રજૂઆતો બાદ દિયા ગ્રીન્ઝ પાર્ટી પ્લોટથી માંડીને શિવમ્ રેસિડેન્સી સુધીના માર્ગ પર ગુડા દ્વારા ટેમ્પરરી રોડ બનવવાનું કાર્ય આશરે પંદરેક દિવસ પહેલાં શરુ કરાયું હતું જેમાં કપચી સાથેનું કાચા રોડનું મટીરીયલ નાખવામાં આવેલું છે જે પણ ઉખડી જવાને કારણે વાહન ચાલકોને અત્યંત મુશ્કેલી પડી રહી છે. ન્યુ વાવોલ વિસ્તારના તમામ રોડનું નવીનીકરણનું કાર્ય પૂરું થઈ ચૂકી હોવા છતાં એકમાત્ર આ રોડને છેલ્લા એક વર્ષ જેટલા લાંબા સમયથી બનાવાતો નથી જેથી સત્તાધીશો, અધિકારીઓ અને બિલ્ડર વગેરેની મિલીભગત હોવાની શંકા સેવાઈ રહી છે, અને આ કારણે આ વિસ્તારમાંથી ખોબલે ખોબલે મત આપનાર નાગરિકો પણ છેતરાયાનો અનુભવ કરી રહ્યા છે.