ગાંધીનગર સેકટર-૧૫ની આઈ.ટી.આઈ. ખાતે રોજગાર ભરતી મેળાનું આયોજન
ગાંધીનગરની જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને આઈ.ટી.આઈ ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આગામી ૨૨ ડિસેમ્બરના રોજ સવારે ૧૦ કલાકે આઈ.ટી.આઈ હોસ્ટેલ બિલ્ડિંગ, આઈ.ટી.આઈની પાછળ, સેકટર-૧૫, ગાંધીનગર ખાતે ખાસ ઔદ્યોગિક રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભરતી મેળામાં ધોરણ-૧૦ અને ૧૨ પાસ, આઈ.ટી.આઈ, ડિપ્લોમા, ગ્રેજ્યુએટ તથા પોસ્ટ ગ્રેજ્યુએટ ઉમેદવારો ભાગ લઇ શકશે. ભરતી મેળામાં શૈક્ષિણક યોગ્યતા મુજબ કસ્ટમર સપોર્ટ એક્ઝીક્યુટીવ, સેલ્સ એસોશિયેટ, કેશિયર, પેકર, એકાઉન્ટન્ટ, સેલ્સ કોઓર્ડીનેટર, સુપરવાઈઝર, ટેલી માર્કેટિંગ અને બેંક ઓફીસ સપોર્ટ સ્ટાફ માટેની નોકરીની ઓફર કરવામાં આવશે.
ગાંધીનગર જિલ્લાના રોજગાર વાંછુ ઉમેદવારો વિવિધ રોજગારીની તકોથી વંચિત ન રહે તથા નોકરીદાતાઓને રોજગાર કચેરી દ્વારા સતત કુશળ માનવબળ પ્રાપ્ત થઇ શકે તે હેતુસર જિલ્લા રોજગાર વિનિમય કચેરી, ગાંધીનગર દ્વારા આ ભરતી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. ગાંધીનગર જિલ્લાના મહત્તમ ઉમેદવારો આ ભરતીમેળાનો લાભ લે તે માટે જિલ્લા રોજગાર અધિકારી દ્વારા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.