ફ્રાન્સે માનવ તસ્કરીના આરોપમાં અટકાવેલા 303 મુસાફરો સહિતના વિમાનને ઉડાન માટે આપી લીલીઝંડી
ફ્રાંસના વેટ્રી એરપોર્ટ પર માનવ તસ્કરીની આશંકામાં રોકવામાં આવેલા લિજેન્ડ એરલાઈન્સના પ્લેનને આખરે ત્રણ દિવસ બાદ જવાની મંજૂરી આપવામાં આવી છે. આ પ્લેનમાં 96 ગુજરાતી સહિત 303 લોકો સફર કરી રહ્યા હતા. આ પ્લેન વેટ્રી એરપોર્ટ પર ઇંધણ ભરવા માટે લેન્ડ થયું હતું.
આ દરમિયાન ફ્રાન્સના અધિકારીઓને માહિતી મળી હતી કે માનવ તસ્કરીનો ભોગ બનેલા લોકોને આ પ્લેનમાં લઈ જવામાં આવી રહ્યા છે, ત્યારબાદ પ્લેનને ટેકઓફ કરવાથી રોકી દેવામાં આવ્યું હતું. વેટ્રી એરપોર્ટ પર રિસેપ્શન હોલને વેઇટિંગ એરિયામાં ફેરવી દેવામાં આવ્યો હતો અને તમામ મુસાફરોને ત્યાં રોકી દેવામાં આવ્યા હતા. અધિકારીઓના જણાવ્યા મુજબ મુસાફરોને એરપોર્ટના એન્ટ્રી હોલમાં રાખવામાં આવ્યા હતા.
આ સાથે હોલને ઢાંકી દેવામાં આવ્યો હતો. પોલીસે આ એરિયામાં અન્ય મુસાફરોના પ્રવેશ પર પ્રતિબંધ મુક્યો હતો. પેરિસ પ્રોસીક્યુટરે જણાવ્યું હતું કે શુક્રવારે અટકાયત કરાયેલા બે મુસાફરોને શનિવારે ફરીથી 48 કલાક સુધી અટકાયતમાં રાખવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી.