ગાંધીનગરના કુડાસણની સ્કૂલ ઓફ એચીવરમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી ગુમ, પોલીસે અપહરણનો ગુનો નોંધ્યો
ગાંધીનગર :
ગાંધીનગરના કુડાસણની સ્કૂલ ઓફ એચીવરમાં અભ્યાસ કરતો ધોરણ – 7 નો વિદ્યાર્થી અચાનક ગુમ થઈ જતાં ઈન્ફોસિટી પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ અપહરણનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. બાર વર્ષનો સગીર શાળા છૂટયા પછી હોસ્ટેલમાં સમયસર પરત નહીં ફરતાં સંચાલકે જાણ કરીને સગીરનાં પિતાને દેવભૂમિ દ્વારકાથી બોલાવી લેવાયા હતા. જેની ઘણી શોધખોળ કરવા છતાં ક્યાંય પત્તો નહીં લાગતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી છે.
દેવભુમી દ્વારકા સલાયા ગામમાં રહેતાં અને દેવભુમી દ્વારકા ખાતે ફિશીંગનો વેપાર કરતાં વેપારીનો 12 વર્ષનો દીકરો ગાંધીનગરનાં સરગાસણ આસ્કા હોસ્પીટલની સામે ધ અમેઝીંગ હોસ્ટેલમાં રહી કુડાસણની સ્કૂલ ઓફ એચીવરમાં ધોરણ – 7 માં અભ્યાસ કરે છે. આજરોજ બપોરે વેપારી ઘરે હાજર હતા. ત્યારે હોસ્ટેલના સંચાલકે ફોન કરીને જાણ કરેલી કે, સ્કૂલ છૂટી ગયા પછી પણ હજી સગીર હોસ્ટેલમાં પરત આવ્યો નથી. રોજીંદી રીતે તે પોણા બે વાગ્યાના અરસા પહેલા હોસ્ટેલમાં આવી જાય છે. પરંતુ આજે તેની સાથેના વિદ્યાર્થીઓને આવી ગયા છતાં હજી સગીર પરત આવ્યો નથી.
આથી વેપારી તાબડતોબ ગાંધીનગર દોડી આવ્યા હતા અને દીકરાની સ્કૂલ ઓફ એચીવરમાં જઈને તપાસ કરી હતી. પરંતુ સ્કૂલમાંથી દીકરાની કોઈ ભાળ મળી ન હતી. બાદમાં તેમણે મિત્ર વર્તુળ તેમજ સગા વહાલા ઉપરાંત હોસ્ટેલમાં સાથે રહેતા વિદ્યાર્થીઓની પૂછતાંછ કરી આસપાસના વિસ્તારોમાં શોધખોળ આદરી હતી. જોકે, ઘણી શોધખોળ કરવા છતાં દીકરાની કોઈ ભાળ નહી મળતા આખરે ફરિયાદ કરી હતી. જેનાં પગલે ઈન્ફોસિટી પોલીસે અજાણ્યા ઈસમ વિરુદ્ધ સગીરાના અપહરણનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.