શેખ હસીના પાંચમી વખત વડાપ્રધાન બનશે
બાંગ્લાદેશમાં હિંસક ઘટનાઓ અને મુખ્ય વિરોધ પક્ષ બાંગ્લાદેશ નેશનાલિસ્ટ પાર્ટીના બહિષ્કાર વચ્ચે રવિવારે મતદાન થયું હતું. મતગણતરી દરમિયાન બાંગ્લાદેશ ચૂંટણી પંચે મોડી રાત્રે વડાપ્રધાન શેખ હસીનાની અવામી લીગને બે તૃતીયાંશ બહુમતી સાથે સત્તા પર પાછા ફરવાની પુષ્ટી કરી હતી.
આ સાથે શેખ હસીના પાંચમી વખત વડાપ્રધાન બનશે તે નિશ્ચિત છે. સામાન્ય ચૂંટણી માટે લગભગ 40 ટકા મતદાન થયું હતું. શેખ હસીના સતત ચોથી વખત વડાપ્રધાન પદ સંભાળશે. તે 1996 થી 2001 સુધી પીએમ પણ રહ્યા હતા. હસીના (76) 2009થી સત્તામાં છે અને તેમની પાર્ટી અવામી લીગે પણ ડિસેમ્બર 2018માં છેલ્લી ચૂંટણી જીતી હતી.
આ ચૂંટણીમાં તેઓ સતત ચોથી વખત અને કુલ મળીને પાંચમી વખત સત્તા પર આવશે તે પહેલાથી જ નિશ્ચિત માનવામાં આવતું હતું. શેખ હસીનાની પાર્ટી અવામી લીગે 12મી સંસદીય ચૂંટણીમાં સતત ચોથી વખત જીત મેળવી છે.