માધવગઢ તથા ફતેપુરા ગામે સાબરમતી નદીમાં નાના ડેમ બનાવવા ટેન્ડર બહાર પડાયા
કેન્દ્રીય ગૃહ-સહકાર મંત્રી અમિત શાહના વતન ગાંધીનગર જિલ્લાના માણસા નજીક માધવગઢ ઉર્ફ આંબોડ ગામે તથા મહેસાણા જિલ્લાના સતલાસણા તાલુકાના ફતેપુરા ગામે સાબરમતી નદીમાં વિયર યાને નાના ડેમ બનાવવા ટેન્ડર બહાર પડાયા છે. મોટાભાગે બે મહિનામાં ખાનગી કોન્ટ્રાક્ટરને વર્કઓર્ડર સોંપી એપ્રિલ-2024થી આ બંને કોંક્રિટ પ્રોજેક્ટનું કામ શરૂ થશે. કેન્દ્રીય મંત્રીના વતન પાસે આંબોડમાં સાબરમતી ઉપર 230 મીટર લંબાઈમાં 8 મીટર ઊંચો વિયર રૂ.220 કરોડના ખર્ચે બનશે, જેના કારણે આસપાસના 8 ગામોના ભૂગર્ભ જળ રિચાર્જ થવાનો દાવો કરાઈ રહ્યો છે.
એવી જ રીતે ધરોઈ ડેમના ડાઉનસ્ટ્રીમમાં લગભગ 4 કિલોમીટર દૂર ફતેપુરા ગામે સાબરમતીમાં 372 મીટરની લંબાઈમાં 6 મીટર ઊંચો વિયર રૂ.255 કરોડમાં તૈયાર થશે, જેના લીધે આસપાસના 4 ગામોના ભૂગર્ભ તળ ઊંચા આવશે એવો દાવો કરતાં સૂત્રો કહે છે કે, ફતેપુરાના પ્રોજેક્ટથી મોટો ફાયદો એ થશે કે, ભવિષ્યમાં ધરોઈ ડેમથી ફતેપુરા સુધીના 4 કિલોમીટરના ઊભા પટ્ટામાં બંને તરફ રિવરફ્રન્ટનું નિર્માણ થઈ શકશે, આમ પણ ધરોઈ ડેમને આવરીને મનોરંજન માટે મોટું આયોજન અત્યારે આકાર લઈ રહ્યું છે. સૂત્રો કહે છે કે,
સાબરમતી નદી ઉપરની આ બંને યોજનાઓમાં વાસણા બેરેજની માફક ગેટ મૂકવામાં આવશે,જેથી સંચાલન થઈ શકે. આ બંને પ્રોજેક્ટથી આશરે કુલ 6 હજાર હેક્ટર વિસ્તારમાં ભૂગર્ભ જળ રિચાર્જ થવાની ગણતરી છે. સાબરમતી નદી ઉપર કુલ પાંચ વિયર બાંધવાની યોજનાના ભાગરૂપ ઉક્ત બે વિયર છે.