ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા 24 જાન્યુઆરીથી નિઃશુલ્ક યોગ વર્ગનું આયોજન
ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી દ્વારા તારીખ 24 જાન્યુઆરી 2024થી નિઃશુલ્ક યોગ વર્ગનું આયોજન કરવામાં આવ્યું છે. 16 વર્ષ કે તેથી વધુ ઉંમરના કોઈપણ વ્યક્તિ યોગ વર્ગમાં જોડાઈ શકશે. યોગ વર્ગો ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીના અનુભવી પ્રશિક્ષક એવાં આસિસ્ટન્ટ પ્રોફેસર (યોગ) શ્વેતા મલિક દ્વારા યોજવામાં આવશે.
આ સંદર્ભે શ્વેતા મલિકે જણાવ્યું હતું કે, સેક્ટર 20 સ્થિત ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી ખાતે યોગના વર્ગ 24 જાન્યુઆરીથી શરૂ થશે. સોમવારથી શુક્રવાર સુધી સવારે 7.30થી 8.15 દરમિયાન યોગ વર્ગનું સંચાલન કરવામાં આવશે. આ યોગ વર્ગમાં જોડાવા માગતા પ્રતિભાગીઓએ રજિસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. ઈચ્છુક પ્રતિભાગીઓ ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટીની વેબસાઈટ પરથી યોગ વર્ગ માટે રજિસ્ટ્રેશન કરાવી શકશે.
આ અંગે યુનિવર્સિટી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “ચિલ્ડ્રન્સ રિસર્ચ યુનિવર્સિટી બાળકોની સાથે સમુદાયના સર્વાંગી વિકાસ થકી વિકસિત ભારત@2047ના ધ્યેયને સાકાર કરવા માટે કટિબદ્ધ છે.” યોગ વર્ગમાં વધુમાં વધુ લોકોને જોડાવવા માટે યુનિવર્સિટી દ્વારા આહ્વાન કરવામાં આવ્યું હતું.