રાજસ્થાન હાઈકોર્ટે દુષ્કર્મથી ગર્ભવતી થયેલ 11 વર્ષની બાળકીની ગર્ભપાત અરજી ફગાવી
રાજસ્થાન હાઈકોર્ટે દુષ્કર્મથી ગર્ભવતી થયેલ 11 વર્ષની બાળકીની ગર્ભપાત કરવાની મંજૂરીની અરજીને ફગાવી દેતા હવે આ બાળકી ગર્ભપાત કરાવી શક્શે નહીં. હાઈકોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે “સંપૂર્ણ વિકસિત ભ્રૂણને પણ જીવવાનો, આ દુનિયામાં આવવાનો અને સ્વસ્થ જીવન જીવવાનો અધિકાર છે.
ઉલ્લેખનીય છે કે આ બાળકીએ 31 અઠવાડિયાના ગર્ભના ગર્ભપાત કરવાની મંજૂરી માટે અરજી કરી હતી જેનો હાઈકોર્ટે ઈન્કાર કર્યો હતો. હાઈકોર્ટના આદેશની કોપી અનુસાર જસ્ટિસ અનુપ કુમાર ધંડે કહ્યું કે મેડિકલ બોર્ડની સલાહ મુજબ ભ્રૂણનું વજન વધી રહ્યું છે અને તેના તમામ અંગો સંપૂર્ણ રીતે વિકસિત થઈ ગયા છે.
આ ઉપરાંત જસ્ટિસ ધંડે કહ્યું કે, “બાળક હવે જન્મની નજીક છે, તેથી ગર્ભપાતની મંજૂરી આપી શકાય નહીં.” તેમણે વધુમાં કહ્યું કે આવા સમાન બે કેસની સુનાવણી કરતી વખતે પંજાબ અને હરિયાણા હાઈકોર્ટે પણ ગર્ભપાતની મંજૂરી આપવાનો ઈન્કાર કરી દીધો હતો.