રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા: AIIMS બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે, શિવસેનાએ કર્યો કટાક્ષ
રામલલાની પ્રાણ પ્રતિષ્ઠાને કારણે દિલ્હી AIIMSમાં પણ અડધો દિવસની રજા જાહેર કરાઈ છે. કેન્દ્ર સરકારના આદેશ અનુસાર AIIMS, સફદરજંગ હોસ્પિટલ, રામ મનોહર લોહિયા હોસ્પિટલ સહિત દિલ્હીની તમામ કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત હોસ્પિટલો 22 જાન્યુઆરીએ બપોરે 2.30 વાગ્યા સુધી બંધ રહેશે. શિવસેનાના નેતા પ્રિયંકા ચતુર્વેદીએ સોશિયલ મીડિયા પર આ આદેશની આકરી ટીકા કરી હતી. જેના પર હવે લોકોની પ્રતિક્રિયા પણ આવી રહી છે. ઉદ્ધવ ઠાકરે જૂથના શિવસેના નેતાએ લખ્યું કે હેલ્લો હ્યુમન્સ, કૃપા કરી 22 જાન્યુઆરીએ કોઈપણ પ્રકારની મેડકિલ ઈમરજન્સી હોય તો AIIMS ન જતાં. બપોરના 2 વાગ્યે મર્યાદા પુરુષોત્તમ રામના સ્વાગતમાં AIIMS વ્યસ્ત રહેશે. આ સાથે તેમણે સોશિયલ મીડિયા પર એ આદેશ પણ પોસ્ટ કર્યો હતો જેમાં હોસ્પિટલમાં અડધા દિવસ માટેની સૂચના અપાઈ છે. તેમણે કહ્યું કે સરકારનો આ નિર્ણય ખોટો છે. આ મોટી હોસ્પિટલોમાં દેશના અનેક રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો સારવાર માટે આવે છે. આ આદેશથી તે દર્દીઓ અને તેમના સંબંધીઓને મુશ્કેલી પડશે.