રામ મંદિરના પાયામાં દેશનો આર્થિક સર્વે દટાઈ ગયો કે શું? : હેમંતકુમાર શાહ
કાયમ કેન્દ્ર સરકારનું બજેટ આવે તેના એક કે બે દિવસ અગાઉ સરકાર દેશનો આર્થિક સર્વે સંસદમાં રજૂ કરે છે. આ સર્વે આ વખતે રજૂ કરવામાં આવ્યો હોય એવું લાગતું નથી કારણ કે તેને વિષે કોઈ સમાચાર પ્રસિદ્ધ થયા નથી.
આ સર્વેમાં દેશના અર્થતંત્રમાં ખેતી, ઉદ્યોગો અને સેવા ક્ષેત્રે, રોકાણ અને રોજગારી ક્ષેત્રે તેમ જ શિક્ષણ અને આરોગ્ય જેવા સામાજિક ક્ષેત્રે આખા વર્ષ શી સ્થિતિ રહી અને નવા નાણાકીય વર્ષમાં શું થઈ શકે છે તેની વિગતો હોય છે. અને વળી સરકાર આર્થિક પરિવર્તન માટે શું કરવા ધારે છે તેનો અંદાજ પણ તેમાંથી આવે છે.
આ બધું આ વર્ષે નહિ. સરકારે આર્થિક સર્વે કેમ આપવામાં આવ્યો નથી તેનું કોઈ કારણ પણ આપ્યું નથી.
એમ લાગે છે કે મોદી સરકારે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાની વ્યસ્તતામાં આર્થિક સર્વે તૈયાર કરવાનું ભૂલી ગઈ છે. તેના પાયામાં આ વર્ષનો આર્થિક સર્વે દટાઈ ગયો કે શું?
આઝાદી પછી કદાચ આ પહેલી વાર એવું બન્યું હશે કે બજેટ પહેલાં આર્થિક સર્વે ન આવ્યો હોય. સર્વે અર્થતંત્ર અને સરકારના ઈરાદાઓ વિશે પારદર્શિતા ઊભી કરે છે. પણ મોદી સરકાર લોકોને અર્થતંત્ર વિશે સત્ય હકીકતો કદાચ જણાવવા માગતી ન હોય માટે પણ આર્થિક સર્વે રજૂ ન થયો હોય એમ પણ બને.
– હેમંતકુમાર શાહ