આજે ગુજરાત વિધાનસભામાં રજૂ થશે ઇતિહાસનું સૌથી મોટું પેપરલેસ બજેટ
આજે સવારે 10 વાગ્યે વિધાનસભા ગૃહની બેઠક મળશે, ત્યારે પ્રશ્નોત્તરી કાળથી વિધાનસભા બેઠકની શરૂઆત થશે. મુખ્યમંત્રી હસ્તકના વિભાગોના મુદ્દાઓ પર ચર્ચા થશે. ગૃહ, માર્ગ મકાન, શહેરી વિકાસ વિભાગના મુદ્દાઓ પર મહત્વની ચર્ચા થશે. નર્મદા, સામાન્ય વહિવટ, રમત ગમત, યુવા સાંસ્કૃતિક વિભાગ, વાહનવ્યવહાર વિભાગના પ્રશ્નો પર ચર્ચા કરાશે. પ્રશ્નોત્તરી કાળ બાદ ગૃહમાં ખર્ચનાં પૂરક પત્રની રજૂઆત કરાશે. ત્યારબાદ નાણાં મંત્રી કનુ દેસાઈ વર્ષ 2024-25નું અંદાજ પત્ર રજૂ કરશે. કેન્દ્ર સરકાર બાદ આજે રાજ્ય સરકારનું બજેટ રજૂ કરવામાં આવશે. નાણાં મંત્રી કનુ દેસાઈ સતત ત્રીજી વખત બજેટ રજૂ કરશે. અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરવામાં આવનાર હોવાનુ જાણવા મળ્યુ છે. વર્ષ 2024-25ના બજેટનું રૂપિયા 3.30 લાખ કરોડ આસપાસનું કદ રહેવાની શક્યતા છે.
બજેટમાં આરોગ્ય, શિક્ષણ, કૃષિ અને માળખાકીય સુવિધાઓ પર ભાર મૂકવામાં આવશે. લોકસભા ચૂંટણી પહેલાં પ્રથમ વખત પૂર્ણ કદનું બજેટ રજૂ કરવામાં આવનાર છે. આ વખતે નાણાંમંત્રી ટેબલેટથી પેપર લેસ બજેટ રજૂ કરશે. લોકસભા ચૂંટણીના કારણે રાજ્ય સરકાર બજેટમાં મોટી જાહેરાતો કરે તેવી શક્યતા છે. વિકસિત ભારત-2047નો રોડમેપ દર્શાવતું બજેટ રજૂ થાય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે.