ગૂગલે તેના પ્લે સ્ટોર પરથી ૨,૨૦૦ નકલી લોન એપ્સને કરી દૂર
અમેરિકાની ટેક્નોલોજી જાયન્ટ ગૂગલે સપ્ટેમ્બર ૨૦૨૨ અને ઑગસ્ટ ૨૦૨૩ વચ્ચે પ્લે સ્ટોર પરથી ૨,૨૦૦થી વધુ નકરી લોન એપ્સને દૂર કરી હતી અથવા સસ્પેન્ડ કરી હતી. તેમ કેન્દ્ર સકરકારે મંગળવારે સંસદને કહ્યું હતું. સરકાર નકલી લોન એપ પર નિયંત્રણ મેળવવા માટે સતત આરબીઆઈ અને અન્ય નિયમનકારો તેમજ હિસ્સેદારો સાથે સતત કામ કરે છે. રાજ્યકક્ષાના નાણામંત્રી ભાગવત કે. કરાડે જણાવ્યું હતું કે, ઈલેક્ટ્રોનિક અને ઈન્ફર્મેશન ટેક્નોલોજી મંત્રાલય પાસેથી મળેલી માહિતી મુજબ એપ્રિલ ૨૦૨૧થી જુલાઈ ૨૦૨૨ વચ્ચે ગૂગલે તેના પ્લે સ્ટોર પર ૩,૫૦૦થી ૪,૦૦૦ લોન એપની સમીક્ષા કરી હતી અને તેમાંથી ૨,૫૦૦ નકલી લોન એપ્સને સસ્પેન્ડ કરી હતી અથવા દૂર કરી હતી. એ જ રીતે સપ્ટેમ્બર ૨૦૨૨થી ઑગસ્ટ ૨૦૨૩ દરમિયાન ૨,૨૦૦થી વધુ લોન એપ્સ પ્લે સ્ટોર પરથી હટાવવામાં આવી હતી.વધુમાં, ગૂગલે પ્લે સ્ટોર પર લોન એપ્સ સંબંધિત નીતિમાં પણ સુધારો કર્યો છે. હવે પ્લે સ્ટોર પર માત્ર રેગ્યુલેટેડ એન્ટીટીસ (આરઈ) દ્વારા પ્રકાશિત અથવા આરઈ સાથે ભાગીદારીમાં કામ કરતી હોય તેવી લોન એપ્સને જ મંજૂરી આપે છે. તેણે ભારતમાં લોન એપ્સ માટે આકરી અમલીકરણ પ્રક્રિયા સાથે વધારાની નીતિવિષયક જરૂરિયાતો પણ અમલમાં મૂકી છે. ભારતીય રિઝર્વ બેન્કે ડિજિટલ લેન્ડિંગ અંગે નિયમનકારી માર્ગદર્શિકા ઈશ્યુ કરી છે, જેનો આશય ડિજિટલ લેન્ડિંગ માટે નિયમનકારી માળખુ મજબૂત બનાવવાનો તેમજ ગ્રાહકોને સુરક્ષિત રાખવા તથા ડિજિટલ ધિરાણની ઈકોસિસ્ટમને સલામત અને મજબૂત બનાવવાનો છે તેમ તેમણે કહ્યું હતું.