ગાંધીનગરમાં ઈન્ટરનેશનલ ફાર્માસ્યુટીકલ્સ એન્ડ હેલ્થકેર એક્ઝિબીશનનો પ્રારંભ : 700થી વધુ દેશ-વિદેશના વ્યવસાયકારો એક જ પ્લેટફોર્મ પર.
ગાંધીનગર :
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ દવા ઉત્પાદકોને આવનારા બે દાયકાના ભાવિને ધ્યાને રાખી લોકોને વાજબી ભાવે દવા અને આરોગ્ય રક્ષા પ્રદાન કરવા આહવાન કર્યુ છે.
આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, નવી નવી થતી જતી બીમારી-રોગ સામેના રક્ષણાત્મક ઉપચાર ઉપાય તરીકે સસ્તી અને સચોટ દવા પૂરી પાડવાનું જનસેવા દાયિત્વ દવા ઉદ્યોગે નિભાવવાનું છે.
મુખ્યમંત્રીએ ગાંધીનગરમાં ઈન્ટરનેશનલ ફાર્માસ્યુટીકલ એન્ડ હેલ્થકેર એક્ઝિબિશનનો પ્રારંભ કરાવ્યો હતો. આ એક્ઝિબિશન માં 120 દેશો, 370 એક્ઝિબિટર્સ અને 700થી વધુ દેશ-વિદેશના વ્યવસાયકારો ભાગ લેવાના છે.
ભારત સરકારના ડિપાર્ટમેન્ટ ઓફ કોમર્સના સહયોગથી ફાર્માસ્યુટીકલ એકસપોર્ટ પ્રમોશન કાઉન્સીલ દ્વારા તા. 10 થી 12 જૂન-2016 દરમ્યાન આ પ્રદર્શન યોજવામાં આવ્યું છે.
મુખ્યમંત્રીએ ફાર્માસ્યુટીકલ – દવા ઉદ્યોગ ક્ષેત્રને માત્ર વ્યવસાય તરીકે ન જોતાં જનસેવા માટે ઇશ્વરે આપેલી તક તરીકે લેવાનો સૌને અનુરોધ કર્યો હતો. તેમણે કહ્યું કે, સામાન્ય માનવીને ગંભીર કે અન્ય બીમારીઓમાં સસ્તા દરે સરળતાથી દવાઓ મળી રહે તે આપણો સંકલ્પ હોવો જોઇએ.
રાજ્યનો દવા ઉત્પાદન- હિસ્સો દેશના ઉત્પાદનના 30 ટકા છે તે વધારીને 45 ટકાએ પહોચાડવાનું સરકારનું આયોજન છે. તેમણે ગુજરાતમાં કેન્દ્ર સરકારના સહયોગથી મેડીકલ ડીવાઇસીસ પાર્ક શરૂ કરવાની દિશામાં પણ સરકાર પ્રતિબધ્ધ છે તેમ જણાવ્યું હતું.
મુખ્યમંત્રીએ ગુજરાતમાં વાયબ્રન્ટ સમિટની સફળતાને પગલે ફાર્માસ્યુટીકલ ક્ષેત્રે 10 હજાર કરોડના MOU કરવામાં આવ્યા છે અને તેના પરિણામે વ્યાપક રોજગાર અવસર મળશે. તેમ ઉમેર્યુ હતું.
આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગના અધિક મુખ્ય સચિવ પી. કે. પરમારે પ્રાસંગિક સંબોધનમાં જણાવ્યું કે, બે દશકાથી દેશમાં થતી દવાઓના કુલ ઉત્પાદનનું ત્રીજા ભાગથી વધુનું ઉત્પાદન ગુજરાત કરે છે. રાજ્યમાં 3500થી વધુ દવાઓ ઉત્પાદન એકમો છે અને 600 ઉપરાંત તો WHO માન્યતા પ્રાપ્ત છે.