પરિવારથી વિખુટા પડેલા 80 વર્ષીય વૃદ્ધાને પરિવાર સાથે સુખદ મિલન કરાવતું સખી વન સ્ટોપ સેન્ટર ગાંધીનગર
ભારત સરકારશ્રીના મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા પુરસ્કૃત “સખી વન સ્ટોપ સેન્ટર” યોજના સમગ્ર દેશમાં કાર્યરત છે. આ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના સખી વન સ્ટોપ સેન્ટર, ઓડિટોરિયમ હોલ પાછળ, સિવિલ કેમ્પસ, સેક્ટર-12, ગાંધીનગર ખાતે તા.05/10/2025 ના રોજ પરિવારથી છૂટા પડી ગયેલા આશરે 80 વર્ષીય વૃદ્ધ બા ને જરૂરી સહાય પૂરી પાડવામાં આવી હતી.
ગાંધીનગર પથિકાશ્રમ આજુબાજુના વિસ્તારમાં છેલ્લા ચાર દિવસથી બિનવારસી વૃદ્ધ મહિલા ને અજાણ્યા વ્યક્તિએ જોઈ જતાં તેમની મદદ કરી અને મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કર્યો હતો. બાદમાં વૃદ્ધાને સખીવન સ્ટોપ સેન્ટરમાં આશ્રય અપવામાં આવ્યો હતો.
સખી વન સ્ટોપ સેન્ટર, ગાંધીનગરમાં આ વૃદ્ધ બાને આશરે પાંચ દિવસ સુધી આશ્રય આપવામાં આવ્યો હતો. આ સમયગાળામાં તેમને સમયસર જરુરી વ્યવસ્થા પૂરી કરવામાં આવી હતી. વૃદ્ધા સાંભળવામાં અસમર્થ હોવાથી પ્રારંભિક તબક્કે તેમની સાથે વાતચીત કરવી મુશ્કેલ રહી હતી, તેમ છતાં સેન્ટરના સ્ટાફ દ્વારા ધીરજપૂર્વક તેમની સાથે બેસીને તેઓ શું જણાવવા માગે છે,તે સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ દરમિયાન તેમના પરિવારજનોને શોધવા માટે સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા. ચર્ચા દરમિયાન કે તેમના પતિ ONGCમાં નોકરી કરતા હતા અને હાલમાં તેમનું પેન્શન મળે છે. પેન્શન લેવા જતા સમયે અજાણી બહેન તેમને સહાય કરતી હોવાનું પણ તેમણે જણાવ્યું હતું.આ માહિતીના આધારે સખીવન વન સ્ટોપ સેન્ટરની ટીમે અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારના ONGC કચેરીઓ તથા નજીકના પોલીસ સ્ટેશનોમાં તપાસ હાથ ધરી હતી. વૃદ્ધાએ સાબરમતી અને ચાંદખેડાનું નામ લેતા તેમને સીધા જ ONGC વિસત વિસ્તારમાં લઈ જવામાં આવ્યા હતાં. ત્યાં પહોંચતા વૃદ્ધાએ ઓળખ આપી કે તેમના પતિ અહીં સેવા આપતા હતા. ONGCના જુના રેકોર્ડ ચકાસતા વૃદ્ધાનું ઘરનું સરનામું મળ્યું હતું. જે પછી સખી વન સ્ટોપ સેન્ટરની ટીમ દ્વારા વૃદ્ધાને સુરક્ષિત રીતે તેમના ઘરે દીકરા અને વહુ પાસે પહોંચાડવામાં આવ્યા હતાં.
બા ને તેમના દીકરાના ઘરે સુરક્ષિત રીતે મુકવામાં આવ્યા બાદ તેમણે પોતાના પરિવારજનોને મળતા આનંદ વ્યક્ત કર્યો હતો. બાના પરિવારજનો સાથે વાતચીત દરમિયાન સમજાવવામાં આવ્યા કે બા ફરીથી આ રીતે ઘર છોડીને બહાર ન નીકળી જાય તે માટે યોગ્ય કાળજી રાખે. જો ભવિષ્યમાં આવી પરિસ્થિતિ સર્જાય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં “ગુમ થયાની ફરિયાદ” નોંધાવવા અંગે માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું.

