શાળાઓના ટ્યુશનિયા શિક્ષકોની સામે તંત્રની મીઠી નજર કેમ ?
ગાંધીનગર :
ગાંધીનગરમાં શાળાઓમાં વિદ્યાર્થીઓના હિતમાં ફાયર સેફ્ટી પ્રમાણપત્રના મામલે તંત્રએ લાલઆંખ કરી છે. ત્યારે વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર અસર કરતા અને કારકિર્દી સાથે છેડા કરતા ટ્યુશનીયા શિક્ષકોની સામે તંત્ર દ્વારા મીઠી નજર કેમ રાખવામાં આવી રહી છે. આ પણ વિદ્યાર્થીઓના હિતની જ બાબત છે. જો કે પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક ખાનગી અને ગ્રાન્ટેડ શાળાઓમાં ટ્યુશનિયા શિક્ષકો ઉપર તંત્રની રહેમ નજર હોય તેમ વર્ષોથી કોઇ જ કાર્યવાહી કરવામાંં આવતી નથી. જોકે ટ્યુશનીયા શિક્ષકોને પકડવા અંગે તંત્ર પાસે કોઈ જ લેખિત ફરિયાદ મળેલ નથી તેવો જવાબ આપે છે. ત્યારે ફાયર સેફ્ટીની પણ ક્યાં કોઇ વાલીએ લેખિત ફરિયાદ કરી હતી. તેમ છતાં વિદ્યાર્થીની સલામતીને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. ત્યારે વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા ખાનગી અને ગ્રાન્ટેડ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓમાંથી ટ્યુશનિયા શિક્ષકોને પકડીને કાર્યવાહી થાય તેવી વાલીઓ તેમજ શિક્ષણવિદ્દોમાં માંગ ઉઠવા પામી છે.