રાજ્યસભાની 15 બેઠકો પર આજે થશે મતદાન
દેશના ત્રણ રાજ્યોમાં રાજ્યસભાની 15 બેઠકો માટે આજે ચૂંટણી યોજાવા જઈ રહી છે, જેમાં ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 4 અને હિમાચલ પ્રદેશની એક બેઠક માટે આજે મતદાન થવાનું છે. ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં ક્રોસ વોટિંગની શંકા છે, જ્યારે હિમાચલમાં કોંગ્રેસના ઉમેદવારની જીત લગભગ નિશ્ચિત માનવામાં આવી રહી છે. નોંધનીય છે કે દેશના 15 રાજ્યોમાં રાજ્યસભાની 56 બેઠકો ખાલી છે. તેમાંથી 12 રાજ્યોની 41 બેઠકો પર ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.
ત્યારે હવે આજે સવારે 9 વાગ્યાથી રાજ્યસભાની ચૂંટણી માટે મતદાનશરૂ થશે અને સાંજે 4 વાગ્યા સુધી ચાલશે. આ પછી સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે, જ્યારે રાત્રે પરિણામ આવવાની સંભાવના છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ અને કર્ણાટકમાં રાજ્યસભાની ચૂંટણીમાં જોરદાર ટક્કર જોવા મળશે. ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો માટે 11 અને કર્ણાટકમાં 4 સીટો માટે 5 ઉમેદવારો મેદાનમાં છે. આ ઉપરાંત હિમાચલમાં પણ એક સીટ પર બે ઉમેદવારો છે.