હવે મનુષ્યને ચંદ્ર પર મોકલવાની તૈયારીમાં લાગ્યું ISRO, ચીફ સોમનાથે આપ્યા સંકેત
ISRO ચંદ્રની સપાટી પર ચંદ્રયાન-3નું સોફ્ટ લેન્ડિંગ કરીને ઇતિહાસ રચી ચૂક્યું છે. આ દરમિયાન હવે મોટા સમાચાર સામે આવ્યા છે કે, હવે સ્પેસ એજન્સી મનુષ્યને ચંદ્ર પર મોકલવાની તૈયારી કરી રહી છે. વાત જાણે એમ છે કે, ISROના ચીફ એસ સોમનાથે આવા સંકેત આપ્યા છે. સોમનાથે આ કાર્ય માટે 2040નો ઉલ્લેખ કર્યો છે. સોમવારે તેમણે ચંદ્ર પર મનુષ્યને મોકલવાની પ્રક્રિયામાં આવી રહેલા પડકારોનો પણ ઉલ્લેખ કર્યો હતો. મીડિયા રિપોર્ટ્સ અનુસાર સોમનાથે કહ્યું કે, અમારે અંતરિક્ષમાં શૂન્ય ગુરુત્વાકર્ષણ વાતાવરણ માટે ટેક્નોલોજી સાયન્સ મેપ તૈયાર કરવાનો છે. જ્યારે આપણે ગગનયાન મિશન દ્વારા જે પ્રયોગો કરવા માંગીએ છીએ તેના વિશે વિચારીએ છીએ….ઓછામાં ઓછા પાંચ લોકોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા છે….તે મારા માટે બહુ રોમાંચક પ્રયોગ નથી. આ મિશનની સાથે આપણે ચંદ્ર મિશન માટેની ક્ષમતાઓ પણ વધારવી પડશે. આ સાથે તેમણે કહ્યું કે, આપણે ચંદ્ર સુધી પણ પહોંચવું જોઈએ. તેમણે કહ્યું કે, આખરે અમે ઈચ્છીએ છીએ કે વર્ષ 2040 સુધીમાં કોઈ ભારતીય વ્યક્તિ ચંદ્રની સપાટી પર ઉતરે. જોકે તેમણે સ્પષ્ટતા કરી ક, ચંદ્ર પરનું આ મિશન અચાનક નહીં થાય અને તેને પૂર્ણ કરવા માટે તેને ઘણા પ્રેક્ટિસ મિશનમાંથી પસાર થવું પડશે. તેમણે કહ્યું, ‘આ ઓછી કિંમતનું કામ નથી. મનુષ્યને ચંદ્ર પર મોકલવા માટે… આપણે પ્રક્ષેપણ ક્ષમતાઓ, લેબ્સ અને સિમ્યુલેશન સિસ્ટમ્સ વિકસાવવી પડશે. આ બધું એક સાથે તૈયાર નથી. આ ઘણી વખત કરવું પડશે. આ પછી જ ભારતમાંથી ચંદ્ર પર માનવ મિશન શક્ય બનશે.