સાદરા ગામમાં રૂપિયા 32 લાખના ખર્ચે નવીન જક્ષણી ધામ પ્રવેશ દ્વારનું લોકાર્પણ કરાયું
ગાંધીનગર જિલ્લાના સાબરમતી નદીના કિનાર આવેલા સાદરા ગામમાં વર્ષોથી ગામના મુખ્ય પ્રવેશ દ્વારની માંગ હતી જેને લઈ સેવા કાર્યોમાં હંમેશા અગ્રેસર રહેનારા મૂળ સાદરા ગામના અને હાલ અમેરિકામાં રહેનારા મનનભાઈ કિરીટભાઈ શાહ તથા પરિવારે રૂપિયા 32 લાખના ખર્ચે ગામમાં શ્રી જક્ષણી ધામ મુખ્ય પ્રવેશ દ્વાર બનાવી આપ્યો છે. સાદરા ગામમાં નવીન પ્રવેશ દ્વારનું ડો.શારદાબેન સનતભાઈ શાહ તથા ભાનુબેન શિરીષભાઈ શાહ હસ્તે લોકાર્પણ કરાયું હતું. આ મુખ્ય પ્રવેશ દ્વારનું લોકાર્પણ પરમ પૂજ્ય ૧૦૦૮ શ્રી રામસ્વરૂપપૂરીજી મહારાજ, શ્રી ધોળેશ્વર મહાદેવ સ્વામી શ્રી શુકદેવપ્રસાદદાસ, ગોકુલધામ, નાર આચાર્ય ગોસ્વામી શ્રી ચિન્મયલાલજી મહારાજ, બડીસરકાર, અમદાવાદના મંગળ સાંનિધ્યમાં કરાયું.
આ લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય અલ્પેશ ઠાકોર આવતા ગામલોકોએ તેમને આવકાર્યા હતા. જશવંતભાઈ પટેલ (ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી, ગાંધીનગર મહાનગર પાલિકા), કિરીટભાઈ શાહ (પ્રમુખ, સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર) રૂપેશભાઈ શાહ (પ્રમુખ, સર્વોદય પરિવાર ટ્રસ્ટ) અને મોટી સંખ્યામાં સાદરા ગામના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. ગામમાં સરપંચે ઉપસ્થિત સર્વે આગેવાનો, મહેમાનો, ગ્રામજનો અને વિશેષ રીતે દાતા મનનભાઈ શાહનો આભાર વ્યક્ત કર્યો હતો. ગામમાં આ પ્રસંગ દરમિયાન ભોજન પ્રસાદનું પણ આયોજન કરાયું હતું. અને આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન સાદરા ગામના તમામ વ્યાપારીઓ અને ગ્રામજનોએ ધંધા રોજગાર બંધ રાખી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.