ગાંધીનગરગુજરાત

સરકારી મિલકતો પર જાહેર ખબર હટાવવા, દંડ ભરવાના મેયરના આદેશને ખાનગી ક્લાસીસ ઘોળીને પી ગયા

ગાંધીનગર :

સ્વચ્છતા સર્વેક્ષણ અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ગાંધીનગરમાં ચાલતા વિવિધ ક્લાસીસ તથા ચીજ વસ્તુનું વેચાણ કરનારાઓ દ્વારા પાટનગરમાં જાહેર મિલકતો પર સ્ટિકર્સ, બેનર, પોસ્ટર ચિપકાવીને અને વોલ પેઇન્ટિંગના ચિતરામણ કરાવીને જાહેર મિલકતોને ખુબજ નુકશાન કર્યુ છે અને શહેરની સુંદરતા ઓછી કરવામાં આવી છે. આવી સંસ્થાઓની સામે કાયદેસરની કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો હતો. નવા મેયરે ચાર્જ લેતાની સાથે જ આવા લોકો સામે દંડ કરીને નોટીસ ફટકારવામાં આવી હતી. જાહેરાત કરનારી સંસ્થાઓના સરનામા ઉપર જ કોર્પોરેશન દ્વારા દંડની રકમની પાવતી મોકલી દેવામાં આવી છે અને સમયમર્યાદામાં ભરી દેવા પણ જણાવ્યું છે, જો સંસ્થાઓ આવો દંડ ન ભરે તો અન્ય રીતે દંડ ની રકમ પણ વસુલવામાં આવશે તેવી તાકિદ કરી હતી. તેમજ આ કરાયેલ વોલ પેઇંન્ટીંગ તાત્કાલિક ધોરણે કાઢી નાખવા પણ તાકિદ કરવામાં આવી હતી તેમ છતાં ઘણી સંસ્થાઓએ આ દંડ ની રકમ ભરી નથી. અને આવી જાહેરાતો તાત્કાલિક હટાવી લેવા કોર્પોરેશને તાકિદ કરી હોવા છતાં હજુ પણ મોટાભાગે શહેરમાં ગેરકાયદે રીતે વોલ પેઇંન્ટીંગ જાહેરાતો જોવા મળી રહી છે.
સરકારી મિલકતો પર નિયમ વિરૂધ્ધ જાહેરાતો કરનારી સંસ્થાઓ પર મેયરના આદેશની કોઈ અસર થઈ નથી અને દંડની રકમ ભરપાઈ કરી નથી ત્યારે મહાનગરપાલિકાના સત્તાધીશોએ નોટિસ આપીને સંતોષ માની લીધો હોવાનું સાબિત થાય છે. એકબાજુ ભાજપ સરકાર સ્વચ્છતાના નામે કરોડો રૂપિયાનો ધૂમાડો કરે છે અને બીજીબાજુ જે લોકો સ્વચ્છતાના હેતુ ઉપર જાહેરમાં કૂચડો ફેરવી રહ્યા છે તેના પ્રત્યે કુણું વલણ કેમ અપનાવી રહી છે તે અંગે લોકોમાં તરેહ તરેહની ચર્ચાએ જોર પકડ્યું છે. મહાપાલિકાના અંતરંગ વર્તુળો જણાવી રહ્યા છે કે, સત્તાધારી ભાજપના હોદ્દેદારો મોટા ઉપાડે જાહેરાતો કરે છે, પરંતુ ભ્રષ્ટાચારમાં ખદબદતા કોર્પોરેશનમાં તંત્રમાં મેળાપીપણાંમાં કોઈનો વાળ વાંકો થતો નથી અને નિયમો કાગળ પર જ રહી જાય છે.
શહેરમાં લાંબા સમયથી આ દિશામાં મહાપાલિકાએ કોઇ કાર્યવાહી કરી ન હોવાથી પાટનગરનું શહેર હોવા છતાં અન્ય શહેરની સરખામણીએ સ્થિતિ બદતર થતી જઇ રહી છે. મહાનગરપાલિકાની ઢીલી નિતીને કારણે લોકોને પણ મોકળુ મેદાન મળી ગયુ હોય તેમ લાગી રહ્યુ છે. અત્યાર સુધી કોર્પોરેશનમાં માત્ર કાગળ ઉપર જ નિયમો ઉભા કરવામાં આવ્યા છે. પોતાના જ નિયમોનુ પાલન કરવામાં પોતે જ ઉણું ઉતર્યુ છે. જેથી આવી સંસ્થાઓને આવા નિતી નિયમોનો કોઇ જ ભય રહ્યો નથી.

ads image

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *